પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, જુઓ કેટલાના થયા મોત
ચીનના ખુબ નજીકના ગણાતા દેશ પાકિસ્તાનમાં મંગળવારે ચીની નાગરિકોની સાથે એક મોટી દુર્ઘટના બની ગઈ. પાકિસ્તાનમાં આત્મઘાતી બોમ્બ હુમલામાં પાંચ ચીનના નાગરિકોના મોત થયા છે. પાકિસ્તાની પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મંગળવારે એક આત્મઘાતી હુમલાખોર દ્વારા ચીનના નાગરિકોના કાફલા પર હુમલો કરાયો. હુમલા દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટમાં પાંચ ચીનના નાગરિકોના મોત થયા છે. હુમલામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા તેની માહિતી સામે નથી આવી.
વિસ્ફોટક ભરેલા વાહનથી મારી ટક્કર
સ્થાનિક પોલીસ અધિકારી મોહમ્મદ અલી ગંડાપુરે જણાવ્યું કે, આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકથી ભરેલા એક વાહનથી ચીની ઈન્જિનિયરોના કાફલાને ટક્કર મારી. તમામ ચીની એન્જિનિયર ઈસ્લામાબાદથી ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારના દાસૂમાં પોતાના કેમ્પ જઈ રહ્યા હતા.
હુમલામાં એક પાકિસ્તાની ડ્રાઈવરનું પણ મોત
અલી ગંડાપુરે કહ્યું કે, હુમલામાં પાંચ ચીની નાગરિક અને તેમના પાકિસ્તાની ડ્રાઈવર માર્યા ગયા છે. તેમણે કહ્યું કે, દાસૂમાં મુખ્ય ડેમ છે અને આ વિસ્તારમાં પહેલા પણ આ પ્રકારના હુમલા થઈ ચૂક્યા છે. વર્ષ 2021માં એક બસમાં થયેલા વિસ્ફોટમાં નવ ચીની નાગરિકો સહિત 13 લોકોના મોત થઈ ગયા હતા.