સર્વોચ્ચ અદાલતે ચુકાદો અનામત રાખ્યા બાદ પણ સરકારે રૂ. 8350 કરોડના બોન્ડ છપાવ્યા
આરટીઆઇ હેઠળ એસબીઆઇએ માહિતી આપી
ઇલેકટોરલ બોન્ડની બંધારણીય કાયદેસરતા ને પડકારતી અરજીઓ પર સુનાવણી થયા બાદ સુપ્રીમ કોર્ટે તે અંગેનો ચુકાદો અનામત રાખ્યો હતો તે પછી પણ જાન્યુઆરી 2024 માં ભાજપ સરકારે 8,350 કરોડની કિંમતના નવા બોન્ડ નું પ્રિન્ટિંગ કરાવ્યું હતું. કોમોડોર રમેશ બાત્રાએ રાઈટ ટુ ઇન્ફર્મેશન હેઠળ માગેલી માહિતીના જવાબમાં એસબીઆઇએ આ વિગત જણાવી હતી.
ચૂંટણી પંચે આ અગાઉ જાહેર કરેલી વિગતો મુજબ 2018 થી આ યોજનાને સર્વોચ્ચ અદાલતે ગેરબંધારણીય ગણાવી ત્યાં સુધીમાં 16518 કરોડના બોન્ડનું વેચાણ થયું હતું. તેમાંથી ભાજપે 8251.8 કરોડ ના બોન્ડ મેળવ્યા હતા. તાત્પર્ય એ કે ભાજપને મળેલ કુલ રકમ કરતાં પણ વધારે કિંમતના બોન્ડ સર્વોચ્ચ અદાલતે ચુકાદો અનામત રાખ્યો તે પછી પણ છાપવામાં આવ્યા હતા.
કોમોડોર બાત્રા ના જણાવ્યા અનુસાર ઇલેક્ટોરલ બોન્ડ અંગે સુપ્રીમ કોર્ટ યથાવત સ્થિતિ જાળવી રાખશે તેવા વિશ્વાસને કારણે મોટી સંખ્યામાં સરકારે કદાચ બોન્ડનું પ્રિન્ટિંગ કરાવ્યું હતું પણ એ ગણતરી ઊંધી પડી હતી.
અન્ય એક આરટીઆઇના જવાબમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ઇલેક્ટોરલ બોન્ડ પ્રિન્ટિંગ, કમિશન તેમજ યોજના ના ઓપરેશન માટે 2018 થી 2023 સુધીમાં 13.50 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. તે રકમમાં 2024 માં છાપવામાં આવેલા 8,350 કરોડના બોન્ડના ચાર્જનો સમાવેશ નથી થતો.