ચુંટણી પંચે શું કહ્યું ? જુઓ
કેવા આદેશ આપ્યા ?
લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે અને બીજી બાજુ ચુંટણી પંચ પણ પોતાની રીતે તૈયારી કરી રહ્યું છે અને અલગ અલગ રાજ્યોનો પ્રવાસ કરીને આદેશો જારી કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મંગળવારે પશ્ચિમ બંગાળમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી.
એમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા સહન કરવામાં આવશે નહીં. ચૂંટણી પંચનો મુખ્ય હેતું રાજ્યમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને હિંસામુક્ત ચૂંટણી કરાવવાનો છે. ચૂંટણીમાં ભય અથવા ડરાવવા માટે કોઈ સ્થાન નથી.
સરકારી બાબુઓના પક્ષપાતી વલણને સહન કરવામાં આવશે નહીં. રાજ્યમાં પર્યાપ્ત સંખ્યામાં કેન્દ્રીય સુરક્ષા દળો તહેનાત કરવામાં આવશે’ ચૂંટણી દરમિયાન હિંસા રોકવા માટે ચૂંટણી પંચ સી-વિજિલ નામની એપ્લિકેશન લોન્ચ કરશે. નાગરિકોની તકેદારી માટે આ પગલું આવે છે.
રાજીવ કુમારે સી-વિજિલ એપની વિશેષતાઓની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘જો ચૂંટણી માટે કોઈપણ પ્રકારની અનિયમિતતા અથવા હિંસા થવાની તૈયારી કરવામાં આવી રહી છે, તો યુઝર્સઓ આ એપ દ્વારા ફરિયાદ નોંધાવી શકે છે.
100 મિનિટમાં દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ ઉમેદવાર ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવતો હોય તો આ એપ દ્વારા ઉમેદવારની ઓળખ કરી શકાશે અને તેની સામેના ગુનાહિત કેસોની ઓળખ કરી શકાશે. આ સાથે ઉમેદવારે તેના ગુનાહિત આરોપો અંગે ત્રણ સમાચારપત્રોમાં જાહેરાત આપવી પડશે. રાજકીય પક્ષોએ પણ તેમની વેબસાઈટ અને સમાચારપત્રો દ્વારા આમ કરવાનું રહેશે.’
