એલ. કે. અડવાણી અને મુરલીમનોહર જોશી સાથે શું બન્યું ? જુઓ
- રામમંદિર મહોત્સવને લઈને શું થયું ?
- પહેલા કોણે નહીં આવવા કહેલું ?
રામ મંદિર બનાવવાને લઈને આંદોલન કરનારા વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી- લાલકૃષ્ણ અડવાણીને અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024 ના દિવસે રામ મંદિર ઉદ્ધાટન સમારંભમાં નહીં આવવાની પ્રથમ અપીલ કરાયા બાદ થોડા કલાકોના અંતરે બંને નેતાઓને આવવાનું આંમત્રણ આપવામાં આવ્યું હતું. આમ આ બંને વરિષ્ઠ નેતાઓએ અપમાન અને પછી સન્માનની મિશ્ર લાગણી અનુભવી હતી.
વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું હતું કે, રામ મંદિર આંદોલનના પ્રણેતા લાલકૃષ્ણ અડવાણી અને ડૉ. મુરલી મનોહર જોશીને 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ મળ્યું હતું. બંને વરિષ્ઠોએ કહ્યું કે રામ મંદિર ઉદ્ધાટન સમારોહમાં આવવા માટે પૂરો પ્રયાસ કરશે. બંનેને સંઘ પરિવારના નેતાઓ કૃષણગોપાલ અને રામલાલ દ્વારા આમંત્રણપત્ર સુપરત કરાયું હતું.
અગાઉ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે બન્ને વરિષ્ઠોને મહોત્સવમાં ન આવવા અપીલ કરી હતી. એમણે કહ્યું હતું કે વધુ પડતી વય થઈ જવાને લીધે નહીં આવવાની અપીલ કરાઇ હતી.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 2024માં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ છે અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં દેશભરમાંથી નેતાઓ, ક્રિકેટર સહિત અનેક જાણીતી હસ્તીઓ અને વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેશે ત્યારે હવે મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને આ મહોત્સવમાં ન આવવાની અપીલ કરી હતી. પણ ત્યારબાદ બાજી સુધારી લેવામાં આવી હતી અને બંને નેતાઓને આમંત્રણ આપી દેવાયું હતું.