તેલંગણાના મુખ્યમંત્રી તરીકે કોનું નામ ગાજ્યું ? જુઓ
તેલંગાણામાં કોંગ્રેસે મુખ્યમંત્રીની પસંદગી કરી લીધી છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડી રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે. સૂત્રોએ આ માહિતી આપી છે. નામ નક્કી થઈ ચૂક્યું છે પરંતુ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરાઈ નથી. તેલંગાણાની કુલ 119 બેઠકોમાંથી 64 બેઠકો પર કોંગ્રેસે જીત હાંસલ કરી છે. BRSએ 39 અને ભાજપે 8 બેઠકો પર જીત મેળવી છે.
અહીં સરકાર બનાવવા માટે કોઈપણ એક પાર્ટીને 60 બેઠકોની જરૂર હોય છે. કોંગ્રેસને 39.40 ટકા, BRSને 37.35 ટકા અને ભાજપને 13.90 ટકા મત મળ્યા છે.
રેવંત રેડ્ડીએ કોડંગલ વિધાનસભા બેઠક પરથી BRSના પી.નરેન્દ્ર રેડ્ડીને 32000થી વધુ મતોના અંતરથી હરાવ્યા છે. વિધાનસભા ચૂંટણી પરિણામો બાદથી જ રેવંત સીએમની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે.
વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસ નેતાઓએ રવિવારે સાંજે રાજ્યપાલ સાથે મુલાકાત કરી અને સરકાર બનાવવાનો દાવો કર્યો. ત્યારબાદ સોમવારે કોંગ્રેસ ધારાસભ્યદળની બેઠક બોલાવાઈ. જેમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા નિમવા માટે અધિકૃત કરાયા હતા.