ઇંડા-નોનવેજના ગેરકાયદે દૂષણ દૂર કરવા દબાણ હટાવ શાખાને કોનું `દબાણ’?
નિયમોનું ઉલ્લંઘન કરીને ધંધો ભયાનક `વાયરસ’ની જેમ ફેલાઇ રહ્યો છે, જવાબદારોને કોઇ જ ચિંતા નથી!
દબાણ હટાવ શાખાનું નામ `ડર અનુભવતી શાખા’ કરી નાખો: ભદ્ર સમાજમાં તીવ્ર આક્રોશ
કોઇએ ચિંતા કરવા જેવું નથી અને મન પડે ત્યાં રેંકડી-કેબિનો (શરત એટલી જ એ રેંકડી-કેબિન ઇંડા-નોનવેજની જ હોવી જોઇએ) ગોઠવી દઈને ધંધો શરૂ કરી દેવાનો છે, કેમ કે મનપાની દબાણ હટાવ શાખા મૂર્છિત અવસ્થામાં જ છે!!
કામગીરી અંગે જનરલ બોર્ડમાં પસ્તાળ' પડી હતી તે દબાણ હટાવ શાખા માત્ર શાકભાજી, ફ્રૂટની રેંકડીઓ તેમજ બોર્ડ-બેનર જપ્ત કરવામાં જ
ઉસ્તાદ’, ઈંડા- નોનવેજની રેંકડી જપ્ત કરવામાં મ્યાઉંની મિંદડી
નબળા ધંધાર્થીઓને દબાવી `કારીગરી’ કરતી આ શાખાને ગેરકાયદે રીતે ખડકાયેલી એકેય રેંકડી જ નથી દેખાતી? શું ઈંડા-નોનવેજના ધંધાર્થી સામા થઈને ભગાડશે તો આબરૂનું ધોવાણ થશે તેવો ડર સતાવી રહ્યો હશે?
ઈંડા-નોનવેજની રેંકડી-દુકાનોનું ગેરકાયદેસર (નિયમના દાયરામાં રહીને ઈંડા-નોનવેજનો વેપાર કરનારા એક પણ ધંધાર્થીની અહીં વાત થઈ રહી નથી) દૂષણ ભયાનક વાયરસ'ની જેમ ફેલાઈ રહ્યું છે છતાં તંત્ર મુંગા મોઢે તમાશો નિહાળી રહ્યું હોય તેની આ ખામૌશી ભદ્ર સમાજને રીતસરની અકળાવી રહી છે. ખાસ કરીને ગેરકાયદેસર રીતે મતલબ કે મંજૂરી વગર જ્યાં-ત્યાં ગોઠવાઈ ગયેલી રેંકડીઓ હટાવવાની તેમજ જપ્ત કરવાની જેની જવાબદારી છે તે મહાપાલિકાની દબાણહટાવ શાખા પણ જાણે કે કોઈના
દબાણ’ હેઠળ કામ કરી રહી હોય તેમ એકેય રેંકડીની આસપાસ ફરકી રહી નથી !
તેની આ કાર્યશૈલીને કારણે હવે લોકો તો બિન્દાસ્ત બનીને એવું કહેતાં થઈ ગયા છે કે રાજકોટમાં તમને ઈચ્છા પડે ત્યાં રેંકડી-કેબિન ગોઠવી દેવાની પૂરેપૂરી છૂટ છે કેમ કે દબાણ હટાવ શાખા તો રેંકડી કે કેબિન જપ્ત કરવા માટે આવવાની નથી. જો કે શરત એટલી જ રહેશે કે આ રેંકડીઓ ઈંડા-નોનવેજની જ હોવી જોઈએ. જો શાકભાજી, ફ્રૂટ કે અન્ય વસ્તુની રેંકડી હશે તો વળી પાછી જપ્ત કરી લેવાશે !! લોકોએ આવા વિધાનો કરવા માટે મજબૂર બનવું પડે તે તો તંત્રની લાપરવાહી અને બેશરમીની હદ કહેવાય…
અગાઉના જનરલ બોર્ડમાં શાસક પક્ષ ભાજપના જ કોર્પોરેટરોએ દબાણહટાવ શાખા દ્વારા કામગીરીમાં કરવામાં આવતી કારીગરી' ઉપર પસ્તાળ પાડીને આડેહાથ લીધી હતી.
એક તબક્કે દબાણ હટાવ શાખા ઉપર હપ્તાખોરી કરવાના આક્ષેપ સુદ્ધા લાગી ગયા હતા. આ પસ્તાળ પડ્યાના બીજા જ સપ્તાહથી શાખા દોડતી થઈ ગઈ હતી અને રેંકડી સહિતના દબાણો જપ્ત કરીને કામગીરી કરી બતાવી હતી પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ જૂની રૂઢીમાં સ્ટાફ આવી ગયો હતો. એકંદરે નબળા ધંધાર્થીઓને દબાવીને કામ બતાવતી આ શાખાને ગેરકાયદેસર રીતે ખડકાયેલી ઈંડા-નોનવેજની એકેય રેંકડી દેખાઈ રહી નથી તે ખરેખર આશ્ચર્યજનક બાબત ગણાશે કેમ કે આ શાખાની નજર એટલી બધી વેધક છે કે ક્યાં શું ગેરકાયદેસર થઈ રહ્યું છે તેને ખબર પડી જ જાય છે પરંતુ શું ખબર ઈંડા-નોનવેજની રેંકડીના દબાણની વાત આવે એટલે શા માટે તે મ્યાઉંની મીંદડી બની જતી હશે ? શું આ શાખાને એવો ડર સતાવી રહ્યો હશે કે ક્યાંક આપણે રેંકડી-કેબિનો જપ્ત કરવા જશું ને ઈંડા-નોનવેજના
ભારાડી’ ધંધાર્થીઓ ક્યાંક આપણને મારવા દોડશે કે હુમલો કરી દેશે તો ? જો ખરેખર આવો ડર શાખાને લાગતો હોય તો તેમણે ઢાંકણીમાં પાણી લઈને…!!
ઇંડા-નોનવેજની રેંકડી જપ્ત કર્યાને વર્ષો વીતી ગયા, હવે તો હિંમત બતાવો?
દબાણ હટાવ શાખાએ ગેરકાયદેસર રીતે ઉભેલી ઈંડા-નોનવેજની રેંકડી જપ્ત કરી હોય તે વાતને વર્ષા વીતી ગયા છે. કદાચ હવે તો લોકો એ પણ ભૂલી ગયા છે કે છેલ્લે આ શાખાએ દબાણ ક્યારે દૂર કર્યું હતું અથવા તો જપ્ત કર્યું હતું !! હવે સમય પાકી ગયો છે કે ગેરકાયદેસર ખડકાયેલા દૂષણને દૂર કરી હિંમત બતાવવી જ જોઈએ અન્યથા દબાણ હટાવ શાખાનું નામ `ડર અનુભવતી શાખા’ કરી નાખશે તે દિવસો બહુ દૂર નથી.
રાજકોટને સ્માર્ટ સિટી બનાવવું હોય તો ગેરકાયદે દબાણોને પહેલાં દૂર કરવા જોઈએ
રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા તંત્રવાહકો એસી ચેમ્બરમાં બેસીને મિટિંગો કર્યે રાખે છે પરંતુ જમીન પરની હકીકત જોવા જઈએ તો શહેરને સ્માર્ટ બનાવવું હોય તો ગમે ત્યાં ખડકાઈ ગયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા જોઈએ પછી ભલે તે દબાણ ઈંડા-નોનવેજની રેંકડીનું હોય કે પછી કાઠિયાવાડી-પંજાબી વાનગી વેચતી વેજ રેંકડી-કેબિનોનું હોય!! આ દૂષણ દૂર થશે તો જ શહેર સ્માર્ટ સિટી બનવાની દિશામાં આગળ વધી શકશે.