સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાયનું નેટવર્ક ચલાવનાર શખ્સ બે પિસ્તોલ સાથે પકડાયો
પત્રકારની હત્યા સહિતના ૧૦ ગુનામાં સંડોવાયેલ શખ્સે ભરત કુંગશિયાને હથિયાર આપ્યાનું ખૂલ્યું
નામચીન પોપટપરાના ભરત કુગશીયાને પિસ્તોલ-કાર્ટીસ સાથે સપ્લાય કરનાર તેમજ જુનાગઢના ચોબારી ગામના કુખ્યાત ફિરોઝ ઉર્ફ લાલા કાસમભાઈ હાલાને બે પિસ્તોલ સાથે રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે ઢોલરા પાસેથી ઝડપી લીધો હતો. પકડાયેલ ફિરોઝ સામે જુનાગઢમાં પત્રકારની હત્યા, હથિયાર સપ્લાયના આઠેક ગુના, મારામારી- ધમકી સહિતના ૧૦ કેસ નોંધાયેલા છે.
હાલ રાજકોટના રસુલપરા-૨ કોઠારીયા સોલવન્ટ પાછળ ભાડાના મકાનમાં રહેતાં મુળ જુનાગઢના નવી ચોબારીના ફિરોઝ ઉર્ફ લાલો કાસમભાઇ હાલા (ઉ.૩૨) પાસેથી રૂા. ૪૦ હજારની બે પિસ્તોલ કબજે કરી હતી. પી.આઈ બી. ટી. ગોહિલ ટીમે પૂછપરછ કરતાં ફિરોઝ ઉર્ફ લાલો અગાઉ ૨૦૧૮માં જુનાગઢમાં પત્રકારની હત્યામાં, એ પછી જુનાગઢમાં આર્મ્સ એક્ટના ૭ ગુના, રાજકોટ ડીસીબીમાં ૧ ગુનામાં અને અન્ય મારામારીનો એક ગુનો મળી 10 ગુનાઓમાં સંડોવાયો હતો. હાલમાં તેની પાસેથી જે પિસ્તોલ મળી છે તે તેને યુપીના તેના મિત્ર રાજૂએ આપ્યાનું રટણ તેણે કર્યુ છે. જુનાગઢ જેલમાં રાજૂ સાથે સંપર્ક થયા બાદ બંનેની ઓળખાણ થઇ હતી. આ ગુનામાં તપાસ બાદ તેની ભરત કુગશીયાને હથીયાર આપ્યાના ગુનામાં ધરપકડ કરી તપાસ હાથ ધરાશે.યુપીના રાજૂ પાસેથી જથ્થાબંધ હથિયારો લાવીને સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાય કરતો હતો.
