મમતા બેનર્જીની ભાજપને આપી ધમકી વાંચો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય તપાસ એજન્સીઓ જો ટીએમસી ના ચાર નેતાઓની ધરપકડ કરશે તો પશ્ચિમ બંગાળ પોલીસ ભાજપના આઠ નેતાઓને જેલમાં મોકલી દેશે તેવી ખુલ્લી ધમકી આપી હતી.
કોલકત્તામાં પક્ષના કાર્યકરોને સંબોધતા તેમણે આ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર બધાને બંદૂકની અણી પર રાખવા માંગે છે. ભાજપને સંબોધીને તેમણે ઉમેર્યું કે આજે અમારી પાર્ટીના અનુવ્રત મંડલ, પાર્થ ચેટરજી, માણીક ભટ્ટાચાર્ય, જ્યોતિ પ્રિયા મલિક અને અન્ય નેતાઓ જેલમાં છે એટલે તમે અત્યારે હસી રહ્યા છો પણ ભવિષ્યમાં જ્યારે તમે સત્તા ઉપર નહીં હો ત્યારે પણ આ પરંપરા ચાલુ રહેશે એ યાદ રાખજો. તમે સત્તા ઉપર નહીં હો ત્યારે ક્યાં જશો?
નોંધનીય છે કે કેન્દ્રીય તપાસ એજન્સીઓએ ટીએમસીના બે પૂર્વ મંત્રીઓ સહિત ટીએમસીના ટોચના પાંચના નેતાઓની વિવિધ કૌભાંડોમાં ધરપકડ કરી છે. મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ કેન્દ્રમાં સત્તા ઉપર છે એટલે કાંઈ પણ કરી શકે છે. ભાજપ ટીએમસી, અરવિંદ કેજરીવાલ, અશોક ગેહલોતના પુત્ર અને અન્ય નેતાઓ સામે સીબીઆઇ અને ઇડીનો ઉપયોગ કરે છે પણ આવતા દિવસોમાં એ જ અધિકારીઓ ભાજપની પાછળ પડશે અને ત્યારે ભાજપને કોઈનું રક્ષણ નહીં મળે.