વર્લ્ડકપ ફાઈનલ મેચની સુરક્ષામાં ચૂક મામલે PMO એક્શનમાં, વાંચો શું અહેવાલ માગ્યો
ઓસ્ટ્રેલિયન યુવકની તપાસને લઈને માંગી માહિતી
DCP કક્ષાના અધિકારીની જવાબદારી અંગે પણ પૃચ્છા
વર્લ્ડકપ ફાઈનલ મેચની સુરક્ષામાં ચૂક મામલે PMO એક્શનમાં આવ્યું છે. વર્લ્ડકપની મેચ દરમિયાન સુરક્ષામાં ચુક થઈ હતી અને એક ઓસ્ટ્રેલિયન ઈસમ સ્ટેડિયમમાં ઘૂસી વિરાટ કોહલીની નજીક પહોંચી ગયો હતો. જેને લઈ અમદાવાદ શહેર પોલીસ અધિકારીઓને ગાંધીનગરથી તેડું આવ્યું હતું. જે બાદ હવે છેક PMOથી આ મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
ભારતની બેટિંગ દરમિયાન પેલેસ્ટાઈન સમર્થક એક યુવક વિરાટ કોહલી પાસે સ્ટેડિયમમાં પહોંચી ગયો હતો. જે બાદમાં સુરક્ષાકર્મીઓએ યુવકને પકડી પોલીસને સોંપ્યો હતો. આ તરફ પોલીસની પૂછપરછમાં યુવકનું નામ વેન જોનશન અને તે મૂળ ઓસ્ટ્રેલિયાનો હોવાનું સામે આવ્યું છે.
વિગતો મુજબ મેદાનમાં પ્રવેશ કરનાર વેન જોનશનના મામલે PMOએ રિપોર્ટ માંગ્યો છે. PMO દ્વારા સુરક્ષામાં બેદરકારીને લઈને જવાબદાર અધિકારી અને ઓસ્ટ્રેલિયન યુવકની તપાસને લઈને માહિતી માંગી છે. આ સાથે ક્રાઇમ બ્રાન્ચ, પોલીસ કમિશ્નર, PCB અને DCP કક્ષાના અધિકારીની જવાબદારીને લઈને રિપોર્ટ માંગ્યો છે.
આ તરફ પેલેસ્ટાઈન સમર્થક સુરક્ષા તોડીને મેદાનમાં ઘૂસી જતા ચકચાર મચી ગઈ છે. આ ફેન દોડીને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસે પહોંચ્યો અને તેના ખભા પર હાથ મૂક્યો હતો. તેની ટી-શર્ટ અને ચહેરા પરના માસ્કથી તેને ઓળખી શકાય છે. તેની પાસે પેલેસ્ટાઈનનો ધ્વજ પણ હતો. આ યુવકને અચાનક જોઈને કોહલી ઘડીક તો ડરી ગયો હતો. પરંતુ બાદમાં સિક્યુરિટી જવાનો પહોંચી ગયા હતા, અને તાબડતોડ યુવકને બહાર લઈ જવાયો હતો.