રોહિત-કોહલી-જાડેજાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ-૨૦૨૩ના ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને હાર મળતાં જ આ ત્રણેય ખેલાડીઓ એ યાદીમાં પહેલાં ક્રમે પહોંચી ગયા છે જેમણે સૌથી વધુ વખત આઈસીસી ટૂર્નામેન્ટના ફાઈનલ મુકાબલા ગુમાવ્યા છે. રોહિત અને રવીન્દ્ર તો ક્યારેય વન-ડે વર્લ્ડકપ પણ જીતી શક્યા નથી.
રોહિત, કોહલી અને રવીન્દ્રએ આઈસીસી ટૂર્નામેન્ટના ફાઈનલમાં સૌથી વધુ હારવા મામલે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર કુમાર સંગાકારા, મહેલા જયવર્ધને, તીલકરત્ને દિલશાન અને લસિથ મલિંગા ઉપરાંત ભારતના યુવરાજને પાછળ છોડી દીધા છે. રોહિત-જાડેજા-કોહલીએ ૨૦૧૪ ટી-૨૦ વર્લ્ડકપ ફાઈનલ, ૨૦૧૭ ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઈનલ, ૨૦૨૧ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ અને આ વર્ષે પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વર્લ્ડકપનો ફાઈનલ હાર્યો છે.
જો કે જ્યારે છેલ્લે ભારતીય ટીમ કોઈ આઈસીસી ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી ત્યારે આ ત્રણેય એ ટીમનો હિસ્સો હતા પરંતુ રોહિત અને રવીન્દ્રના નસીબમાં અત્યાર સુધી વન-ડે વર્લ્ડકપ આવ્યો નથી. કોહલી ૨૦૧૧માં ધોનીની આગેવાનીમાં ચેમ્પિયન બનનારી ટીમનો હિસ્સો હતો.