રાજકોટમાં શીતલપાર્ક પાસે ચા પીતી વખતે હાર્ટ એટેક આવતા યુવાનનું મોત
ગુજરાતમા હવે કોરોના કરતા વધુ ડર હાર્ટએટેકથી લાગી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા કેટલાગ દિવસોથી હાર્ટએટેકથી મોતનો રાફડો ફાટ્યો છે. ખાસ બાબત તો એ છે કે, યુવાઓને હાર્ટએટેક આવી રહ્યો છે. ત્યારે આવું કેમ થઈ રહ્યું છે તે જાણવામાં તબીબો લાગ્યા છે. રાજકોટમાં વધુ એક યુવાનનું હૃદય બેસી જતાં મોત થયું છે. ગાંધીગ્રામ શિતલ પાર્ક પાસે ચા પીવા ઉભેલો યુવાન એકાએક ઢળી પડતાં મોત થયું હતું.
શીતલ પાર્ક ચોકડી નજીક રોયલ મેળાના મેદાન નજીક ભરત સતિષભાઇ નકુમ (ઉ.વ.૩૦) નામનો યુવાન ચાના થડે ચા પીવા ઉભો હતો ત્યારે ચા પીતા પીતાં એકાએક બેભાન થઇ ઢળી પડતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. ૧૦૮ જાણ કર્યા બાદ ભરતને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો જ્યાં તબિબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુ પામનાર યુવાન મુળ જોડીયાના હડીયાણા ગામનો વતની હોવાનું ખુલ્યું હતું. તે હાલમાં શાસ્ત્રીનગરમાં રૂમ ભાડે રાખીને રહેતો હતો અને પ્લમ્બીંગ કામ કરતો હતો. તેના લગ્ન થયા નહોતાં તે બે ભાઇમાં મોટો હતો.
