માતાજીના મંદિરમાં “સાવરણી”નો ભોગ
કેવડાવાડીમાં આવેલુ છે“મહાલક્ષ્મી” માતાજીનું 90 વર્ષ જૂનું મંદિર
માતાજીને સાવરણી ધરાવવાથી દારિદ્રતા દૂર થતી હોવાની માન્યતા: બે જોડ સાવરણી લઈને આવે છે મહિલાઓ: અમાસનું પણ અહી છે ખાસ મહત્વ
રાજકોટમાં એક એવું મંદિર આવેલું છે કે જ્યાં માતાજીને સાવરણી ધરાવવામાં આવે છે. જેની પાછળ એવી માન્યતા છે કે, માતાજીને સાવરણી ધરાવવાથી ઘરની દારિદ્રતા દૂર થાય છે. આ મંદિર છે શહેરના કેવડાવાડી વિસ્તારમાં આવેલુ “માં મહાલક્ષ્મી મંદિર”.
રાજકોટના કેવડાવાડી-2 વિસ્તારમાં મહાલક્ષ્મી માતાજીનું મંદિર આવેલું છે. જ્યાં ખાસ ધનતેરસના દિવસે મહિલાઓ માતાજીને સાવરણી ધરાવે છે. એવું કહેવાય છે કે સાવરણી એ માતા લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. ઉપરાંત દર શુક્રવારે પણ મોટી સંખ્યમા અહી મહિલાઓ માતાજીને સાવરણી ધરાવે છે. જ્યારે અમાસનું પણ ખાસ મહત્વ હોવાનું જાણવા મળે છે.
કેવડાવાડીમાં આવેલું મહાલક્ષ્મી માતાજીનું અંદાજે 90 જૂનું હોવાનું માનવામાં આવે છે. અહી પુજા કરતાં પૂજારી રજનીભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મમાં સાવરણીને માતા લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે.માટે ઘરમાં સાવરણીને ઉભી ન રાખવી, સાવરણી કોઈને દેખાઈ નહીં તે રીતે ઘરમાં રાખવાનુ વડિલો કહે છે.કહેવાય છે કે સાવરણીમાં માતા લક્ષ્મીજી વાસ કરે છે.જેથી જો સાવરણીને યોગ્ય રીતે સાચવવામાં આવે તો ઘરની દરિદ્રતા દુર કરે છે.ધનતેરસ અને દિવાળીના દિવસે લોકો માતાજીને સાવરણી અર્પણ કરવા માટે આવે છે.
આ મંદિરમાં લોકો બે સાવરણી લઈને આવે છે.બે સાવરણી પહેલા મંદિરમાં માતાજીને અર્પણ કરવામાં આવે છે. જેમાંથી એક સાવરણી મંદિરમા માતાજીને ચડાવવામાં આવે છે અને બીજી સાવરણીને ઘરે લઈ જવામાં આવે છે.અહિંયા લોકો વર્ષોથી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે છે. મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોનું કહેવુ છે કે માતાજી સમક્ષ માથું નમાવવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. જેથી તેઓ શુક્રવારે અને દિવાળીમાં ધનતેરસ નિમિત્તે અહિંયા સાવરણી ચડાવવા માટે આવે છે.
ગંદકીવાળી જગ્યાએ સાવરણી ન રાખવી જોઈએ: શ્રદ્ધાળુ
મહાલક્ષ્મી મંદિરમાં આવતા ભક્તોનું માનવું છે કે સાવરણીને ક્યારેય કચરામાં નાખવી જોઈએ નહીં. આ ઉપરાંત સાવરણી ગંદકીવાળા વિસ્તારમાં પણ રાખવી ન જોઈએ. આમ કરવાથી તો માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે. સાવરણીને ઘરમાં એવી રીતે રાખવી કે જેથી સાવરણી કોઈને દેખાઈ નહી. માતાજીને ચડાવવામાં આવેલી સાવરણીથી ઘર સાફ કરવાથી ઘરની દરિદ્રતા દુર થાય છે અને ઘરમાં રિદ્ધી-સિદ્ધીનો વાસ થાય છે.
