રાજકોટમાં થાળીનાદ સાથે નીકળી આંગણવાડી કર્મચારીઓની વિશાળ રેલી
સમયસર પગાર, બિલની ચુકવણી, લઘુતમ વેતન સાથે મહિલા કર્મચારીઓએ કર્યા સૂત્રોચ્ચાર
રાજકોટમાં રવિવારે આંગણવાડીના મહિલા કર્મચારીઓની વિશાળ રેલી નીકળી હતી. શહેરના જિલ્લા પંચાયત ચોકથી સિવિલ હોસ્પિટલ સુધી નીકળેલી આ રેલીમાં આંગણવાડીના કર્મચારીઓએ થાળી નાદ અને સૂત્રોચ્ચાર સાથે પોતાની પડતર માંગણીઓને લઈને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
ચુંટણી નજીક આવતાની સાથે જ સરકારી કર્મચરીઓ પણ પોતાની પડતર માંગણીઓ લઈને સરકાર સામે આંદોલનના મંડાણ કરતાં હોય છે. તો વળી રેલી અને આવેદનપત્રો આપીને પોતાની પડતર માંગણીઓના નિરાકરણની માંગ કરતાં હોય છે. ત્યારે રાજકોટમાં પણ રવિવારે આંગણવાડી કર્મચારીઓએ રેલી કાઢી હતી અને પોતાની વ્યથા ઠાલવી હતી.
રવિવારે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ સૌરાષ્ટ્ર ઝોનની રેલી નીકળી હતી. જેમાં આંગણવાડીના કર્મચારીઓ દ્વારા થાળીનાદ કરવામાં આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે પોતાની પડતર માંગણીઓમાં માનદ વેતન દૂર કરી લઘુતમ વેતન આપવું, પ્રમોશન વય મર્યાદા દૂર કરવી, મસાલા બિલ, મંગળ દિવસના બિલ સમયસર આપવા ઉપરાંત છેલ્લા 10-10 મહિનાથી સમયસર પગાર ન થતો હોય વહેલી તકે પગાર કરવામાં આવે સહિતની માંગણીઓ સાથે સૂત્રોચ્ચાર કરી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
