અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા 8076 ભારતીય પકડાયા
કેનેડા સરહદે થી 3059 ની ધરપકડ
સપ્ટેમ્બર મહિનામાં અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા માગતા 8,076 ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલાઓમાં મોટાભાગના ગુજરાતી હોવાનું જાણવા મળે છે. ભારતીય નાગરિકો કેનેડા અને મેક્સિકો સરહદે થી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરતા હોય છે.સપ્ટેમ્બર મહિનામાં જોકે કેનેડા માંથી પ્રવેશવાનો પ્રયત્ન કરતા ભારતીયોની સંખ્યામાં મોટો વધારો નોંધાયો હતો.
અમેરિકાના કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેકશન વિભાગના જણાવ્યા અનુસાર ગત મહિને પકડાયેલા ભારતીયોમાંથી 530 વ્યક્તિ આખેઆખા પરિવાર સાથે અમેરિકામાં પ્રવેશ કરી રહી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય નાગરિકો હવે વાયા કેનેડા અમેરિકામાં પહોંચવાનો રસ્તો અપનાવી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં કેનેડા સરહદે થી 2,327 ગેરકાયદે વસાહતીઓને અમેરિકાએ ઝડપી લીધા હતા તેની સામે સપ્ટેમ્બર મહિનામાં એ આંકડો 3059 ઉપર પહોંચ્યો હતો. નોંધનીય છે કે 2019 થી 2023 વચ્ચે અમેરિકાએ 1.9 લાખ ભારતીય ગેરકાયદે વસાહતીઓની ધરપકડ કરી છે. મેક્સિકો અને કેનેડાની સરહદે થી ગેરકાયદે પ્રવેશતા ભારતીયોમાં ગુજરાતીઓની મોટી સંખ્યા હોય છે અને અનેક કિસ્સાઓમાં આવા પ્રયાસ દરમિયાન મૃત્યુ થયા હોવાના બનાવો પણ નોંધાયા છે.