2040 સુધી ચંદ્ર ઊપર માનવી મોકલશે ભારત
વડાપ્રધાને ઇસરોના ચેરમેન સાથે બેઠક કરી અલગ અલગ પ્રોજેકટો માટે લક્ષ્ય આપ્યા , 2035 સુધી અંતરીક્ષ સ્ટેશન
ઈસરો હવે ચંદ્ર ઊપર સફળ લેન્ડિંગ બાદ ગગનયાનના મિશન માટે સક્રિય છે .તેની તૈયારી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. વડાપ્રધાન પણ ભાવિ પ્રોજેકટો માટે ખૂબ જ ઊતસાહિ રહ્યા છે. ઇસરોએ આપેલ માહિતી અનુસાર, ગગનયાન મિશન માટેની પહેલી ફ્લાઈટ 21 ઓકટોબરે ઉડાન ભરશે. ભારત ઝડપથી અવકાશના મિશનોમાં આગળ વધી રહ્યો છે.
આ ઉડાન પહેલા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવકાશ સંશોધન પ્રયાસોના ભાવિની રૂપરેખા આપવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આ બેઠકમાં ઈસરો ચીફ ઉપરાંત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન ઈસરોના ચીફે મોદીને મિશન સાથે જોડાયેલી ઘણી માહિતી આપી હતી.
આ બેઠકમાં વડાપ્રધાને ઈસરોના ચીફને અવકાશ મિશનને લઈ લક્ષ્યો આપ્યા હતા. ઈસરોને 2035 સુધીમાં ભારતીય સ્પેસ સ્ટેશન અને 2040 સુધીમાં ચંદ્ર પર માણસ મોકલવા માટેનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું . આ સિવાય વડાપ્રધાને ઈસરોના વૈજ્ઞાનિકોને શુક્ર ઓર્બિટર મિશન, માર્સ લેન્ડર પર કામ કરવા પણ કહ્યું હતુ.
આ દરમિયાન ઈસરોએ કહ્યું હતું કે, ચંદ્ર પર વધુ સંશોધન માટેનો રોડમેપ તૈયાર કરશે. આમાં ચંદ્રયાન મિશનની શ્રેણી, નેક્સ્ટ જનરેશન લૉન્ચ વ્હીકલ નો વિકાસ, નવા લૉન્ચ પેડનું નિર્માણ, માનવ-કેન્દ્રિત પ્રયોગશાળાઓની સ્થાપના અને સંબંધિત તકનીકોનો સમાવેશ થશે. વડાપ્રધાન ભારતીય વૈજ્ઞાનિકોને આંતરગ્રહીય મિશન તરફ કામ કરવા પણ આહ્વાન કર્યું હતું, જેમાં શુક્ર ઓર્બિટર મિશન અને માર્સ લેન્ડરનો સમાવેશ થાય છે.