હાથ કેવી રીતે ધોવા? રવિવારે શાળાઓમાં અપાશે તાલીમ
રાજકોટ જિલ્લામાં તા.15મીએ ઉજવાશે ગ્લોબલ હેન્ડવોશિંગ ડે: જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા શાળાના બાળકોને અપાશે હાથ ધોવા અંગેના 7 સ્ટેપનું ડેમોસ્ટ્રેશન: હોસ્પિટલોમાં હેન્ડવોશની સુવિધા ઊભી કરાશે
રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા.15મીએ ગ્લોબલ હેન્ડવોશિંગ ડેની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓને હાથ કઈ રીતે ધોવા તે અંગેનું ડેમોસ્ટ્રેશન આપવામાં આવશે.
વૈશ્વિક સ્તરે તા.15મી ઓકટોબરના દિવસે હાથની સવચતાને લઈને ગ્લોબલ હેન્ડવોશિંગ ડે મનાવવામાં આવે છે. જો યોગ્ય રીતે હાથ ધોવામાં આવે તો હાથોની ગંદકીથી થતી બીમારીઓ જેવી કે, કોલેરા, ડાયેરિયા, ત્વચા સબંધિત બિમારીઓથી બચી શકાય તેવી માન્યતા છે. ડોક્ટર્સનું કહેવું છે કે, આપણા હાથમાં અજાણતા કેટલી ગંદકી છે જેને આપણે જોઈ શકતા નથી. કોઈ પણ વસ્તુનો સ્પર્શ કરવાથી, તેનો ઉપયોગ કરવાથી તેમજ આપણે રોજિંદા કામોને કારણે હાથમાં ગંદકી રહેલી હોય છે. આ ગંદકી વાળ હાથ ધોયા વગર કઈ પણ ખાવા-પીવાથી તે ગંદકીમાં શરીરમાં પહોંચે છે. અને અનેક પ્રકારની બિમારીઓને જન્મ આપે છે. ત્યારે હાથ ધોવા અંગે જાગૃતિ આપવા માટે વૈશ્વિક સ્તરે ગ્લોબલ હેન્ડવોશિંગ ડેની ઉજવણી કરવામાં આવે છે.
રાજકોટ જિલ્લામાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા આ અંતર્ગત જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રમાં હાથ ધોવા અંગેના 7 સ્ટેપ અંગે જાણકારી આપવામાં આવશે. જ્યારે શાળાઓમાં બાળકોને ડેમોસ્ટ્રેશન આપવામાં આવશે. ઉપરાંત દવાખાનાઓમાં હેન્ડવોશની સુવિધા પણ ઊભી કરાશે. તેવું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું હતું.
