ભ્રષ્ટાચાર સહિત અનેક આરોપો સાથે કેજરીવાલ વિરુધ્ધ સૂત્રોચ્ચાર
રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી કાર્યાલય સામે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનમાં સામેલ નેતા અને કાર્યકર્તાઓએ દિલ્હી સરકાર પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. બીજેપી કાર્યકર્તાઓ દિલ્હી એક્સાઈઝ પોલીસી મામલે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. કાર્યકર્તાઓએ સીએમ અરવિંદ કેજરીવાલ અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
આમ આદમી પાર્ટીના કાર્યાલય સામે બીજેપીના પ્રદર્શન દરમિયાન દિલ્હી વિધાનસભા વિપક્ષના નેતા રામવીર સિંહ બિધૂડીએ અરવિંદ કેજરીવાલ સરકાર પર ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, દિલ્હીમાં કટ્ટર ઈમાનદાર સરકારના રાજમાં ભ્રષ્ટાચાર ચરમ પર છે.
તાજેતરમાં જ ઈડીએ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની આ મામલે ધરપકડ કરી હતી. ત્યારબાદથી આપ ભડકી ઉઠી છે અને પાર્ટીના કાર્યકર્તાઓએ દિલ્હીમાં બીજેપી કાર્યાલયની બહાર ઉગ્ર પ્રદર્શન કર્યું હતું.