આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ WhatsAppનો ઉપયોગ કરે છે. મિત્રો સાથે વાત કરવાની હોય કે ઓફિસનું કામ, આ એપ ખૂબ જરૂરી બની ગઈ છે. પણ શું તમે જાણો છો કે WhatsApp પર આવેલો એક નાનકડો સંદેશ તમારી મહેનતની કમાણીને જોખમમાં મૂકી શકે છે? હા, સાયબર ઠગોનો નવો કીમિયો સામે આવ્યો છે. WhatsApp પર ભૂલથી પણ ‘NO’ ટાઈપ કરશો તો તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે. આ અંગે હૈદરાબાદ પોલીસે ચેતવણી જાહેર કરી છે.
કેવી થાય છે આ કૌભાંડ ??
હૈદરાબાદના પોલીસ કમિશનર વી.સી. સજ્જનારે આ નવા સાયબર ફ્રોડ વિશે જનતાને ચેતવણી આપી છે. તેમના જણાવ્યા મુજબ, સાયબર ઠગ પહેલા અજાણ્યા નંબર પરથી WhatsApp પર મેસેજ મોકલે છે. મેસેજમાં દાવો કરવામાં આવે છે કે તમારા બેંક ખાતામાં કોઈ વ્યવહાર થયો છે અને પૈસા કપાઈ ગયા છે. ત્યારબાદ ઠગ બીજો મેસેજ મોકલે છે, જેમાં કહેવામાં આવે છે કે જો તમે આ વ્યવહાર શરૂ ન કર્યો હોય, તો તરત જ ‘NO’ ટાઈપ કરીને જવાબ આપો. આવો મેસેજ જોઈને કોઈપણ વ્યક્તિ ગભરાઈ જાય. લોકોને લાગે છે કે ખરેખર તેમના ખાતામાંથી પૈસા કપાઈ ગયા છે. ગભરાટમાં તેઓ વિચાર્યા વગર ‘NO’ લખીને જવાબ આપી દે છે અને અહીં જ તેઓ ફસાઈ જાય છે.
પોલીસ કમિશનરે આ પ્રકારના સાયબર હુમલાને “ઓટો-એક્ઝિક્યુશન ફાઈલ એટેક” તરીકે વર્ણવ્યો છે. એકવાર તમે NO લખો એટલે તમારા ફોનમાં ઓટોમેટિક માલવેર ફાઈલ ડાઉનલોડ થઈ જાય છે અથવા તમારો ડેટા હેક થઈ જાય છે. તેમણે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કિસ્સો પણ જણાવ્યો, જેમણે આવા કૌભાંડમાં લાખો રૂપિયા ગુમાવ્યા હતા. તેથી અજાણ્યા નંબર પરથી આવતા મેસેજને હળવાશથી ન લેવા જોઈએ.
સુરક્ષિત રહેવા શું કરવું ??
સૌથી મહત્વની વાત એ છે કે ગભરાવું નહીં. જો તમને અજાણ્યા નંબર પરથી બેંક વ્યવહાર વિશે કોઈ મેસેજ મળે, તો ‘YES’ કે ‘NO’ નો જવાબ આપવો નહીં.
1. પહેલા તમારી બેંકની અધિકૃત એપ અથવા નેટ બેંકિંગ પોર્ટલ ચેક કરો કે ખરેખર પૈસા કપાયા છે કે નહીં.
2. જો મેસેજ શંકાસ્પદ લાગે, તો તે નંબરને તરત જ બ્લોક કરી દો.
3. કોઈપણ અજાણી ફાઈલો ડાઉનલોડ કરશો નહીં કે મેસેજમાં આપેલી લિંક્સ પર ક્લિક કરશો નહીં.
4. બેંકિંગ સંબંધિત કોઈપણ માહિતી માટે હંમેશા બેંકના અધિકૃત કસ્ટમર કેર નંબરનો જ ઉપયોગ કરો.
ફ્રોડ થઈ જાય તો શું કરવું ??
જો તમે સાયબર છેતરપિંડીનો ભોગ બનો છો, તો તરત જ 1930 હેલ્પલાઇન પર કોલ કરો અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો. યાદ રાખો, WhatsApp પર મળતો દરેક સંદેશ સાચો હોતો નથી. તેથી જ્યારે તમને બેંક ખાતામાંથી રકમ કપાયા અંગેનો કોઈ સંદેશ મળે, ત્યારે તરત જ જવાબ આપવાને બદલે પહેલા તેની ખરાઈ કરવી ખૂબ જરૂરી છે.
ટૂંકમાં કહીએ તો સાયબર ઠગ હવે નવી ટ્રિક અપનાવી રહ્યા છે. લોકોના ડરનો ફાયદો ઉઠાવીને તેમને ફસાવી રહ્યા છે. WhatsApp પર આવતા બેંકના મેસેજ પર ભૂલથી પણ NO ટાઈપ ન કરો, નહીંતર તમારી એક ભૂલ તમારું ખાતું ખાલી કરી શકે છે.
