8 મહિનાની મહેનત પર પાણી નહીં પણ કચરો ફરી ગયો..!! બિટ્ટુ તબાહીએ સફાઇ કરેલી અજનાર નદી ફરી કચરાથી ભરાઈ ગઈ
નદીને આપણે મા કહીએ છીએ, પણ શું આપણે ખરેખર મા જેવું સન્માન આપીએ છીએ? મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાંથી આવેલી એક ઘટના આ સવાલ ઉભો કરે છે. અજનાર નદીને પોતાની મા માનીને 8 મહિના સુધી એકલા હાથે સાફ કરનારા બિટ્ટુ તબાહીની મહેનત પર થોડા જ અઠવાડિયામાં પાણી ફરી વળ્યું છે. તેમણે શેર કરેલો વીડિયો જોઈને સૌ કોઈનું દિલ દ્રવી ઉઠ્યું છે.
સુરેન્દ્ર સિંહ ચૌધરી, જેમને દુનિયા બિટ્ટુ તબાહી તરીકે ઓળખે છે, તે નદીઓની સફાઈ માટે મશહૂર છે. તેમણે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં આવેલી અજનાર નદીને સાફ કરવા માટે 8 મહિના સુધી સતત મહેનત કરી હતી. કોઈ આધુનિક મશીન વગર, કોઈ ટીમ વગર, એકલા હાથે તેમણે નદીમાંથી ટન બંધ પ્લાસ્ટિક અને કચરો બહાર કાઢ્યો હતો. તેમને સરખું તરતા પણ નથી આવડતું, છતાં તેઓ પાણીમાં ઉતર્યા હતા.
થોડા અઠવાડિયા પહેલા સુધી નદીના કિનારા એકદમ સાફ હતા. પણ હાલ તેમણે જે વીડિયો શેર કર્યો છે તેમાં પુલ નીચે અને કિનારે ફરી પ્લાસ્ટિકની થેલીઓ અને કચરાનો ઢગલો જોવા મળી રહ્યો છે. આ જોઈને બિટ્ટુ તબાહી ખૂબ જ નિરાશ થયા. તેમણે લખ્યું, “મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારી આઠ મહિનાની મહેનત આ રીતે બરબાદ થઈ જશે.”
જોકે, નિરાશ થવા છતાં તેમણે હાર નથી માની. વીડિયોમાં તેઓ ફરી પાણીમાં કૂદીને કચરો બહાર કાઢતા જોવા મળે છે. તેમણે લોકોને પણ અપીલ કરી છે કે નદીમાંથી કચરો વધુ સારી રીતે કેવી રીતે કાઢી શકાય તેના સૂચનો આપો. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ પણ પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું કે, “તમારી મહેનત વખાણવા લાયક છે, હાર ન માનતા.” તો બીજા યુઝરે કહ્યું કે, “નગરપાલિકાએ અહીં કચરો ફેંકનારા પાસેથી દંડ વસુલવો જોઈએ, નહીંતર આ સમસ્યા કાયમ રહેશે.”
બિટ્ટુ તબાહીની આ વાત માત્ર અજનાર નદીની નથી, પણ આપણી બધાની માનસિકતાની છે. એક વ્યક્તિ નદી સાફ કરે અને બીજા સો લોકો કચરો ફેંકે તો નદી ક્યારેય સાફ નહીં થાય. જો આપણે ખરેખર નદીઓને બચાવવી હશે તો કચરો ફેંકવાનું બંધ કરવું પડશે અને બિટ્ટુ તબાહી જેવા લોકોને સાથ આપવો પડશે.
