ગુજરાતની પરંપરાગત સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં આવી રહેલા મોટા સામાજિક બદલાવની સૌથી ગંભીર અસર વડીલોના જીવન પર જોવા મળી રહી છે. સંતાનોના વિદેશ ગમન, નોકરી-ધંધાની વ્યસ્તતા અને વિભક્ત કુટુંબ સંસ્કૃતિને કારણે એકલા પડી ગયેલા માતા-પિતા માટે હવે વૃદ્ધાશ્રમ માત્ર કોઈ લાચાર કે નિરાધાર વ્યક્તિઓનો આશરો રહ્યા નથી. રાજ્યમાં પ્રાઇવેટ લક્ઝુરિયસ સિનિયર લિવિંગ, પેઇડ આસિસ્ટેડ હોમ્સ અને ટ્રસ્ટ સંચાલિત કેન્દ્રોનો વ્યાપ એવી ઝડપે વધી રહ્યો છે કે સરેરાશ દર પાંચ દિવસમાં એક નવી વૃદ્ધ સંભાળ સંસ્થા શરૂ થઈ રહી છે.
બે વર્ષમાં 140 નવી સંસ્થાઓ ઉમેરાઈ: બંગલા અને ટેનામેન્ટમાં નવો ટ્રેન્ડ
2026ના બિઝનેસ-લિસ્ટિંગ ડેટા અનુસાર, ગુજરાતમાં પ્રાઇવેટ અને સંસ્થાકીય મળીને કુલ 376 જેટલા વૃદ્ધાશ્રમો, સિનિયર લિવિંગ અને સંલગ્ન કેર સેન્ટરો નોંધાયા છે. બે વર્ષ અગાઉ ઉપલબ્ધ આંકડાઓમાં આ સંખ્યા 235 આસપાસ હતી. આમ, માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં 140 જેટલી નવી સંસ્થાઓનો તોતિંગ વધારો નોંધાયો છે. અગાઉ જ્યાં માત્ર વિશાળ કેમ્પસમાં ચેરિટેબલ સંસ્થાઓ જોવા મળતી હતી, ત્યાં હવે પોશ વિસ્તારોના ખાનગી બંગલા અને રો-હાઉસમાં નાના પાયે કમર્શિયલ સિનિયર લિવિંગ કેન્દ્રો ધમધમવા લાગ્યા છે.
અમદાવાદ ટ્રેન્ડનું એપીસેન્ટર: સંખ્યા 15 પરથી સીધી 86 પર પહોંચી
આ સામાજિક પરિવર્તનનું સૌથી મોટું કેન્દ્ર અમદાવાદ શહેર બન્યું છે. એક સમયે જ્યાં માત્ર 15 જેટલા ગણ્યાગાંઠ્યા ઘરડાઘર હતા, તે વધીને 42 થયા અને હવે ડિરેક્ટરી લિસ્ટિંગ મુજબ 86 સંસ્થાઓ કાર્યરત છે. ખાસ કરીને વાડજ, અખબારનગર અને વસ્ત્રાપુર જેવા મુખ્ય રહેણાંક વિસ્તારોમાં વૃદ્ધાશ્રમ કે સિનિયર કેર સેન્ટર શરૂ કરવા માટે ભાડે કે વેચાણથી બંગલા અને ટેનામેન્ટની માંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
ચાર મહાનગરોમાં જ 220 થી વધુ સેન્ટર્સ: નાના શહેરોમાં પણ વિસ્તરણ
રાજ્યમાં કાર્યરત વૃદ્ધ સંભાળ સંસ્થાઓ પૈકીનો મોટો હિસ્સો રાજ્યના મુખ્ય ચાર મહાનગરોમાં કેન્દ્રિત થયેલો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મળીને જ કુલ 220 જેટલા સેન્ટર્સ આવેલા છે. આ ઉપરાંત ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગની યાદી મુજબ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ આ સંસ્થાઓનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં વૃદ્ધાશ્રમ અને કેર સેન્ટર્સની સ્થિતિ
| ક્રમ | શહેર / જિલ્લો | નોંધાયેલી સંસ્થાઓની સંખ્યા |
| 1 | અમદાવાદ | 86 |
| 2 | સુરત | 63 |
| 3 | વડોદરા | 48 |
| 4 | રાજકોટ | 23 |
| 5 | જૂનાગઢ | 17 |
| — | મુખ્ય 4 મહાનગરોનો કુલ સરવાળો | 220 |
| — | સમગ્ર ગુજરાતમાં કુલ સંખ્યા (2026) | 376 |
(નોંધ: આ ડેટામાં પરંપરાગત ઓલ્ડ એજ હોમ્સ ઉપરાંત પ્રાઇવેટ સિનિયર લિવિંગ, આસિસ્ટેડ લિવિંગ અને હેલ્થ કેર સેન્ટર્સના લિસ્ટિંગનો સમાવેશ થાય છે.)
દર પાંચ દિવસે એક નવું ઘરડાઘર કે કેર સેન્ટર ખૂલવું એ આર્થિક દ્રષ્ટિએ કદાચ હેલ્થકેર ક્ષેત્રનો ગ્રોથ દેખાડતું હોય, પરંતુ સામાજિક દ્રષ્ટિએ આ સ્થિતિ અત્યંત ગંભીર ચિંતા ઉપજાવનારી છે. જીવનભર સંતાનોના ભવિષ્ય માટે સર્વસ્વ ન્યોછાવર કરનારા મા-બાપ પાછલી ઉંમરે એકલતા અને ઉપેક્ષાનો ભોગ બની રહ્યા છે. આ આંકડા માત્ર આશ્રમોની વધતી સંખ્યાના નથી, પરંતુ આપણી પારિવારિક સંસ્કૃતિ અને સંવેદનાઓ તૂટી રહી હોવાની સ્પષ્ટ ચેતવણી છે.
