તૃણમૂલ કોંગ્રેસના નામ અને ચૂંટણી નિશાનને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે.રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલા શિવસેના, પછી NCP અને હવે તૃણમૂલ કોંગ્રેસમાં એક જ પેટર્ન જોવા મળી રહી છે. ભાજપ અને ચૂંટણી પંચ ભેગા મળીને પાર્ટીને તોડે છે અને પછી તેનું ચૂંટણી નિશાન છીનવી લે છે.
રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, પહેલા શિવસેના, પછી NCP અને હવે તૃણમૂલ કોંગ્રેસ. દર વખતે એક જ પેટર્ન – ભાજપ અને ચૂંટણી પંચ ભેગા મળીને એક પાર્ટીને તોડે છે, પછી તેનું નિશાન છીનવી લેવામાં આવે છે. જ્યારે આખી પાર્ટી ચોરી થઈ શકે છે, તો કરોડો ભારતીયોના વોટ ચોરી થવા એ નવાઈની વાત નથી. વોટ ચોરી, સરકાર ચોરી, હવે પાર્ટી ચોરી – આ આપણા લોકશાહીના પતનની નિશાની બની ગયા છે.

તેમણે કહ્યું કે ચૂંટણી પંચની બંધારણીય જવાબદારી જનતાના આદેશની રક્ષા કરવાની છે, પણ ઉલટું તે એવી તાકાતોને મદદ કરી રહ્યું છે જે જનતાના ફેસલાને જ પલટી દે છે. આ લડાઈ ફક્ત મમતા બેનર્જીની નથી, આ દરેક રાજકીય પાર્ટી અને દરેક મતદારની લડાઈ છે જે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી ઈચ્છે છે.
હકીકતમાં, ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસના નામ ‘ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ અને તેના ‘ફૂલ અને ઘાસ’ વાળા ચૂંટણી નિશાનના ઉપયોગ પર વચગાળાની રોક લગાવી દીધી છે. આ રોક પશ્ચિમ બંગાળમાં થનારી વિધાનસભા પેટાચૂંટણીને લઈને લગાવવામાં આવી છે. પંચે બંને જૂથો પાસે અલગ નામ અને નિશાનના વિકલ્પો માંગ્યા છે.
