UPના લખનઉમાં યુવકે મોબાઈલની EMI નહીં ભરતા લોહી કાઢી લીધું..!!
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે માનવતા અને કાયદા વ્યવસ્થા બંને પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. માત્ર 2,799 રૂપિયાના મોબાઈલના હપ્તા માટે એક નિર્દોષ ગરીબ યુવકને દિવસો સુધી બંધક બનાવી રાખવામાં આવ્યો, તેની પાસેથી જબરદસ્તી લોહી કઢાવવામાં આવ્યું અને તેની પાસે વેઠ કરાવવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે.
એક વર્ષ જૂનો હપ્તો બન્યો આફત
મળતી વિગતો મુજબ, લખનઉના નિગોહા પોલીસ મથક વિસ્તારના રાજારામખેડા ગામમાં રહેતો નેવલ મજૂરીકામ કરે છે. લગભગ એક વર્ષ પહેલા તેણે નિગોહા કસ્બામાં આવેલી ગીતા મોબાઈલ શોપમાંથી 21,500 રૂપિયાની કિંમતનો સેમસંગ સ્માર્ટફોન ઝીરો ડાઉન પેમેન્ટ પર ફાઈનાન્સ કરાવ્યો હતો. તેના માટે દર મહિને 2,799 રૂપિયાના 12 હપ્તા બાંધવામાં આવ્યા હતા. પીડિતની વૃદ્ધ માતા જદુરાઈના જણાવ્યા અનુસાર, આર્થિક તંગીના કારણે પ્રથમ હપ્તો સમયસર ભરી શકાયો નહોતો. આથી દુકાનના માણસો ઘરે આવી મોબાઈલ ફોન છીનવીને પરત લઈ ગયા હતા. પરિવારને લાગ્યું કે હવે હિસાબ પૂરો થઈ ગયો છે.
8 સપ્ટેમ્બરે ઉપાડી ગયા
પરંતુ લગભગ એક વર્ષ બાદ ગત 8 સપ્ટેમ્બરે બપોરના સમયે બે શખ્સો સ્કૂટી લઈને ગામમાં આવ્યા અને નેવલને દુકાનના શેઠ સાથે હિસાબ કરવાના બહાને પોતાની સાથે બેસાડીને લખનઉ તરફ લઈ ગયા. નેવલને શું ખબર કે તેની સાથે શું થવાનું છે. નેવલના આક્ષેપ મુજબ, તેને સીધો લખનઉની એક ખાનગી બ્લડ બેંકમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને ડરાવી-ધમકાવીને તેના શરીરમાંથી એક યુનિટ લોહી કઢાવી લેવામાં આવ્યું હતું. ગરીબ યુવકના લોહીનો સોદો કરી દેવાયો હતો.
બંધક બનાવી કરાવી મજૂરી
ત્યારબાદ તેને સદર વિસ્તારમાં આવેલા એક મકાનમાં બંધક બનાવી દેવામાં આવ્યો હતો. પાંચ દિવસ સુધી તેની પાસે જબરદસ્તી મજૂરીકામ કરાવવામાં આવતું હતું. આ દરમિયાન આરોપીઓએ તેના મોટા ભાઈ રાજકુમારને ફોન કર્યો હતો અને મોબાઈલના હપ્તાના નામે 2,799 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. એટલું જ નહીં, નેવલને છોડવા માટે વધુ 12,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પરિવારનો ગંભીર આરોપ છે કે જો રૂપિયા નહીં આપો તો નેવલને જાનથી મારી ગોમતી નદીમાં ફેંકી દેવાની ધમકી આપવામાં આવી હતી.
પોલીસની ભૂમિકા શંકાસ્પદ
ડરના માર્યા પરિવારે નિગોહા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. આરોપ છે કે પોલીસના દબાણ બાદ પાંચમા દિવસે આરોપીઓએ નેવલને એક રેપિડ કેબમાં બેસાડી પોલીસ મથકે મોકલી આપ્યો હતો અને તે કેબનું ભાડું પણ તેના ભાઈ પાસે જ ભરાવ્યું હતું. પોલીસ મથકે પહોંચેલો નેવલ બદહવાસ હાલતમાં હતો. પરિવારનો એવો પણ દાવો છે કે જ્યારે તેમણે કડક કાર્યવાહીની માંગ કરી ત્યારે તેમને જ ડરાવવામાં આવ્યા હતા કે વધુ બોલશો તો નેવલને જ કેસમાં ફસાવી દેવામાં આવશે.
માતાની લડત અને DCPનો કડક આદેશ
ઘરે આવ્યા બાદ નેવલે પોતાની સાથે વીતેલી આપવીતી પરિવારને જણાવી હતી. ત્યારબાદ તેની વૃદ્ધ માતા હિંમત કરીને DCP દક્ષિણી મોહમ્મદ મુશ્તાક સમક્ષ રજૂઆત કરવા પહોંચી હતી. તેમણે જણાવ્યું હતું કે નિગોહા પોલીસે તેમની ફરિયાદ પર ધ્યાન આપ્યું નહોતું.
DCPએ સમગ્ર મામલાને અત્યંત ગંભીરતાથી લેતા નિગોહા પોલીસ મથકના પ્રભારીને તાત્કાલિક ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ આ મામલામાં પોલીસની કથિત બેદરકારી અને લાપરવાહીની પણ તપાસ કરાવવાની ખાતરી આપી છે. હાલ પોલીસ બ્લડ બેંકની સંડોવણી, બંધક બનાવવાની ઘટના અને નાણાં પડાવવાના આરોપોની તમામ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
