રાજકોટમાં ખાલિસ્તાની ગ્રુપના નામે રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. ધમકીભર્યો સંદેશો ઈ-મેઈલ મારફતે મોકલવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ કોર્ટના ઈ-મેઈલ એડ્રેસ પર ધમકીભર્યો ઈ-મેઈલ આવ્યો હતો. આ ઉપરાંત રાજકોટ બાર એસોસિએશનના ઈ-મેઈલ પર પણ ધમકી મળી હતી.
ધમકીમાં કોર્ટ ઉપરાંત જામનગર સુધી ડ્રોન હુમલાની પણ ધમકી આપવામાં આવી છે. સાથે જ વાડીનાર પોર્ટથી નયારા રિફાઇનરી અને સિક્કા પોર્ટને પણ નિશાન બનાવવાની ધમકી અપાઈ છે. મહાત્મા મંદિર ખાતે આઈફોન બેટરીથી બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી પણ આપવામાં આવી છે. ધમકી મળતા કોર્ટ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. કોર્ટ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : `વિકાસ’ થવો જ જોઇએ પણ આંખ બંધ કરીને નહીં…
પોલીસે ધમકીભર્યા ઈ-મેઈલને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાયબર ટીમની મદદથી ઈ-મેઈલ મોકલનારનું ઓરિજિન શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ છે અને સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વધારવામાં આવી છે.
