હોટલ કે આવી જગ્યાએથી માત્ર પાંચ, દસ સેકન્ડમાં જ ટુ વ્હીલર ઉઠાવીને અંધારામાં ઓગળી જાય
પોલીસ સીસીટીવી હોય ત્યાં સુધી પહોચી શકે ત્યાંથી હાથ હેઠા પડી રહ્યા હોય તેવી સ્થિતિ
વોઇસ ઓફ ડે | રાજકોટ
રાજકોટમાં ગોંડલ રોડ વાવડી વિસ્તારમાં પુનીતનગર પાણીના ટાંકા પાસે તેમજ વાવડી પોલીસ ચોકી નજીક આવેલી હોટલો, શાકભાજીની લારીઓ કે આવી દુકાનો આસપાસથી વાહનો ઉઠાવી જનાર ટુ-વ્હીલર ચોરે પોલીસ માટે પડકાર ઊભો કર્યો છે. વાહન ધારક ઉતાવળમાં ચાવી ટુ વ્હીલરમાં જ રાખી દે કે ભૂલી જાય કે બેદરકારી દાખવે ટુ વ્હીલર ગાયબ થઈ જાય.
છેલ્લા એકાદ માસથી વધુ સમયથી આંખના પલકારામાં જ વાહન ચોરી લેનાર ટોપીધારી તસ્કર પોલીસને હંફાવી રહ્યો છે. ટોપીધારીને શોધવા પોલીસ સીસી ટીવી કેમેરા ચેક કરે છે પણ જ્યાં કેમેરા અટકી જાય છે ત્યાંથી પોલીસના હાથ હેઠા પડી રહ્યા હોય તેવો ઘાટ છે. માથે સ્પોર્ટ ટાઈપ ટોપી અને એકલવડીયા બાંધાનો આ ઇસમ ગિયરવાળા બાઈક નહીં, પરંતુ એક્ટિવા, એક્સેસ સહિતના સ્કૂટરને જ વધુ ટાર્ગેટ કરે છે. હોટલ કે આવા સ્થળ નજીક આવી ચડે.
જેવો કોઈ એક્ટિવા, એક્સેસ કે આવું ગિયર વિનાનું વાહન મોપેડ લઈને આવે અને વાહન લોક ન કરે ચાવી અંદર જ રાખી દે કે ભૂલી જાય અથવા તો ભાગવું જ છે એમ માનીને ચાવી કાઢવાની આળશ કરે એવા વ્યક્તિઓના ટુ વ્હિલર ત્યાં બેઠેલા, ઊભેલા અન્ય લોકો વચ્ચેથી કોઈ ડર વિના માત્ર પાંચ, સાત સેક્નડમાં જ ઉઠાવીને બિન્દાસ્ત રીતે નીકળી જાય.
આ પણ વાંચો : રાજકોટમાં ઠેર-ઠેર દિવા તળે અંધારું સ્ટ્રીટલાઇટને ઢાકી દેતા તોતિંગ વૃક્ષ
વાહન લઈને ચોર સીધો કણકોટ તરફના રૂટ પર જતો રહે. વારંવાર વાહનો ચોરાતા હોવાનું અને ટોપી ધારી એક જ ઇસમ લઈ જતો હોવાથી ખાનગી રીતે ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને તાલુકા પોલીસ દ્વારા આ રૂટ પરના સીસીટીવી કેમેરા ચકાસવા આવે છે જો કે પોલીસના હાથ ત્યાં જઈને ટૂંકા પડી રહ્યા છે કે જ્યાં સીસીટીવી અટકી જાય છે. બે દિવસ પહેલા જે પાણીના ટાંકા પાસે ગણપતિ વેચાણ જગ્યા પર મૂર્તિ જોવા દંપતીએ ટુવ્હીલર ઉભું રાખ્યું અને નીચે ઉતરી મૂર્તિ જોતા હતા ત્યાં ટોપીધારી તસ્કર સાવ નજર સામે જ તેમનું ટુ વ્હીલર લઈને નાસી ગયો.
સમી સાંજ બાદ આવે શિકાર મળે એટલે સડસડાટ નીકળી જાય !
સમી સાંજ અને થોડું અંધારું થઈ જાય એટલે આવી ચડે અને લોકેશન પણ હોટેલો કે એવા જ શોધે કે જ્યાં વધુ લોકો આવતા હોય અને સેંકડોમાં નીકળી પણ જવું હોય જેથી વાહનમાં જ ચાવી રાખી હોય આવા બેદરકાર વાહનધારકોના ટુ વ્હીલર નજરે પડે આવું રેઢું ટુ વ્હીલર શિકાર મળે એટલે સીધું ઉઠાવીને નીકળી જાય.
