સાયબર ક્રાઈમના વધતા જોખમો વચ્ચે હવે ગુનેગારો ઓનલાઈન ઠગાઈ માટે નવી અને ચોંકાવનારી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. અમદાવાદમાં બનેલી એક ઘટનાએ સાબિત કરી દીધું છે કે કોઈપણ ઓટીપી કે લિંક પર ક્લિક કર્યા વગર પણ ખાતું ખાલી થઈ શકે છે.
મેટ્રો મુસાફરી દરમિયાન અચાનક ફોન બંધ થવાની ઘટના
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા નિરાંત ચાર રસ્તા પાસે રહેતા હિનાબેન પટેલના યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી રૂ. 1 લાખ સેરવી લેવાયા છે. ગત ૩૦ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ જ્યારે હિનાબેન અને તેમના પતિ ભાવેશભાઈ મેટ્રો ટ્રેનમાં થલતેજ તરફ મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે અચાનક ભાવેશભાઈનો મોબાઈલ ફોન આપોઆપ સ્વિચ ઓફ થઈ ગયો હતો અને આશરે અડધા કલાક બાદ ફરી ચાલુ થયો હતો.
રિચાર્જ કરતી વખતે સાયબર ફ્રોડનો પર્દાફાશ
બીજા દિવસે સવારે જ્યારે ભાવેશભાઈ ફોન-પે મારફતે રિચાર્જ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પેમેન્ટ ફેલ થયું હતું. ત્યારબાદ કારખાને જઈને સહકર્મચારી પાસે ફોન ચેક કરાવતા ખબર પડી કે બેંક ખાતાની દૈનિક રૂ. ૧ લાખની લિમિટ પૂર્ણ થઈ ચૂકી છે. એપ્લિકેશનની હિસ્ટ્રી તપાસતા ખાતામાંથી પૂરા એક લાખ રૂપિયા કપાઈ ગયા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી.
આ પણ વાંચો: બેન્ક કર્મચારીઓની હડતાળથી દેશ અને રાજ્યમાં હાહાકાર: 15,000 કરોડના વ્યવહારો ઠપ!
બેંકની તપાસ અને પંજાબ નેશનલ બેંકમાં ટ્રાન્સફર
દંપતીએ તાત્કાલિક યુનિયન બેંકની વસ્ત્રાલ શાખા ખાતે પહોંચીને તપાસ કરી હતી, જેમાં જાણવા મળ્યું કે તેમના ખાતામાંથી આ રકમ પંજાબ નેશનલ બેંકના એક અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. ગભરાઈ ગયેલા દંપતીએ ત્વરિત પગલાં લઈને પોતાનું એકાઉન્ટ ડેબિટ ફ્રીઝ અને સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે રામોલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
સિમ સ્વેપિંગ કે રિમોટ એક્સેસની આશંકા
મુસાફરી દરમિયાન માત્ર અડધા કલાક માટે ફોન બંધ થવો અને તે દરમિયાન બેંક ખાતું ખાલી થઈ જવું તે કોઈ ગંભીર સાયબર અપરાધની ઇશારો કરે છે. સાયબર નિષ્ણાતોના મતે, આ ઘટના પાછળ સિમ સ્વેપિંગ, ક્લોનિંગ કે રિમોટ એક્સેસ ટૂલ (RAT) જેવી ખતરનાક ટેકનિકનો ઉપયોગ થયો હોવાની પૂરી શક્યતા છે.
આ પ્રકારની ઘટનાઓ ડિજિટલ યુગમાં નાગરિકોની સુરક્ષા સામે મોટો સવાલ ઊભો કરે છે. જો તમારો ફોન અચાનક નેટવર્ક વગરનો થઈ જાય કે બંધ થઈ જાય, તો તાત્કાલિક સાવચેત થઈને બેંક ખાતાની સ્થિતિ તપાસવી અત્યંત જરૂરી છે.
