અમદાવાદમાં બસ મારફતે આવી રહેલું રૂ. 25.30 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું: ઈન્દોરથી ડિલિવરી આપવા આવેલો કેરિયર પકડાયો
ગુજરાતમાં ડ્રગ્સના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ સતત સક્રિય છે, ત્યારે અમદાવાદના રામોલ વિસ્તારમાંથી એક મોટું ડ્રગ્સ રેકેટ પકડાયું છે. વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે ટોલ નાકા નજીક પોલીસે ખાનગી બસમાં દરોડો પાડીને લાખો રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. માત્ર ૬ હજાર રૂપિયાના કમિશન માટે ઈન્દોરથી ડ્રગ્સની હેરાફેરી કરતો એક કેરિયર પોલીસના હાથે ઝડપાઈ ગયો છે, જ્યારે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય મુખ્ય આરોપીઓની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ખાનગી બસમાંથી 843 ગ્રામ MD ડ્રગ્સ કબ્જે
રામોલ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે નડિયાદ તરફથી આવી રહેલી ખાનગી લક્ઝરી બસમાં એક શખસ નશીલા પદાર્થ સાથે અમદાવાદમાં પ્રવેશવાનો છે. પોલીસે એક્સપ્રેસ-વે ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવીને બસને રોકી હતી. તપાસ દરમિયાન કંડક્ટરની સીટ પાછળ સોફા પર બેઠેલા રિઝવાન ઉર્ફે રિજુ મોહંમદ ફારૂક મનસુરી (રહે. ઈન્દોર, મધ્ય પ્રદેશ) નામના યુવકની સઘન તલાશી લેવામાં આવી હતી. તેની પાસેથી મળેલા બે પાર્સલમાંથી કુલ ૮૪૩ ગ્રામ ૬૧૦ મિલિગ્રામ જેટલો અંદાજે ૨૫.૩૦ લાખ રૂપિયાની બજાર કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય સાધનો મળી કુલ ૨૫.૩૬ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો: 18 વર્ષથી ઓછી ઉંમરના બલોકોની સોશિયલ મીડિયા આદત પર લગામ કસવા સુપ્રીમ કોર્ટમાં તૈયાર
પોલીસ ટ્રેકિંગથી બચવા ‘ZANGI’ એપનો ઉપયોગ
આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસની નજરથી બચવા અને ટ્રેકિંગ ટાળવા માટે આરોપીઓ સામાન્ય કોલ કે વોટ્સએપના બદલે અત્યાધુનિક અને એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશન ‘ZANGI’ નો ઉપયોગ કરતા હતા. ઈન્દોરના શાનુ પઠાણ નામના શખ્સે આ માલ મોકલ્યો હતો અને અમદાવાદમાં ‘patel’ નામથી સેવ કરેલા રિયાઝઅલી નામના શખ્સને આ જથ્થો પહોંચાડવાનો હતો. આ સમગ્ર ગુના બદલ પકડાયેલા યુવક રિઝવાનને માત્ર ૬,૦00 રૂપિયાનું કમિશન મળવાનું નક્કી થયું હતું. હાલ પોલીસે ડ્રગ્સ મોકલનાર શાનુ પઠાણ અને મંગાવનાર રિયાઝઅલી સામે ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં પકડાયેલું આ લાખો રૂપિયાનું MD ડ્રગ્સ દર્શાવે છે કે બહારના રાજ્યોમાંથી ડ્રગ્સ સપ્લાય કરવા માટે શુષ્ક અને ગુપ્ત રીતો અપનાવવામાં આવી રહી છે. પોલીસની સતર્કતાના કારણે આ મોટું રેકેટ સમયસર ઝડપાઈ ગયું છે, પરંતુ યુવાધનને બરબાદ કરતા આ ડ્રગ્સના નેટવર્કના મૂળ સુધી પહોંચવું પોલીસ માટે અત્યંત જરૂરી છે. આગામી સમયમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની પૂરી સંભાવના છે.
