મતદારયાદીમાં નામ મિસમેચ થતાં 92 વર્ષીય વૈજ્ઞાનિકને રૂબરૂ હાજર રહેવા આદેશ
દેશની લોકશાહી વ્યવસ્થામાં મતદારયાદીની ચોકસાઈ માટે ચૂંટણી પંચ દ્વારા નિયમિતપણે સમીક્ષા અને ચકાસણી કરવામાં આવતી હોય છે, પરંતુ કેટલીકવાર આ પ્રક્રિયામાં સામાન્ય ટેકનિકલ ભૂલો પણ મોટી હસ્તીઓ માટે અસુવિધાનું કારણ બની જતી હોય છે. બેંગલુરુના ગૌરવ સમાન અને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી વિભૂષિત 92 વર્ષીય મહાન વૈજ્ઞાનિક પ્રોફેસર સી.એન.આર. રાવ સાથે પણ કઇંક આવું જ બન્યું છે, જ્યાં સ્પેલિંગની નાની ભૂલના કારણે તેમને ચૂંટણી પંચ તરફથી નોટિસ ફટકારવામાં આવી છે.
નામમાં એક અક્ષરની ભૂલના કારણે ફટકારાઈ નોટિસ
બેંગલુરુના બસવનગુડીમાં જન્મેલા અને વિજ્ઞાન જગતમાં વૈશ્વિક ઓળખ ધરાવતા પ્રોફેસર સી.એન.આર. રાવને ચૂંટણી તંત્ર દ્વારા ‘સેલ્ફ-નેમ મિસમેચ’ (નામમાં તફાવત) હેઠળ નોટિસ આપવામાં આવી છે. વર્ષ 2002ની જૂની મતદારયાદી અને વર્તમાન યાદી વચ્ચે સરખામણી કરતાં ‘Prof. C.N.R. Rao’ ના સ્પેલિંગમાં ભૂલથી એક વધારાનો અક્ષર ઉમેરાઈ જવાથી તે ‘Proff. C.N.R. Rao’ થઈ ગયું હતું. નિયમ મુજબ આ તફાવત દૂર કરવા માટે સંબંધિત વ્યક્તિએ પોતાની ઓળખ સાબિત કરવી અનિવાર્ય બને છે.
નાજુક તબિયત છતાં સુનાવણી માટે બોલાવાયા
ચૂંટણી પંચના નિયમો અનુસાર સંબંધિત મતદારે રૂબરૂ હાજર રહેવું પડતું હોવાથી, પ્રોફેસર રાવને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) નજીક આવેલ મલ્લેશ્વરમ ખાતે સુનાવણી માટે બોલાવવામાં આવ્યા છે. જોકે, તેમના સહયોગીઓ અને નિકટના લોકોના જણાવ્યા મુજબ, 92 વર્ષની વયે તેમની તબિયત હાલ નાજુક છે અને તેઓ ડિજિટલ ઉપકરણોથી પણ દૂર રહે છે, જેના કારણે આ સ્થિતિ ચિંતાજનક બની છે.
પ્રોફેસર રાવનું અદ્ભુત વૈજ્ઞાનિક યોગદાન
સોલિડ-સ્ટેટ અને સ્ટ્રક્ચરલ કેમિસ્ટ્રી ક્ષેત્રે અપ્રતિમ પ્રદાન કરનાર પ્રોફેસર રાવે દેશના પાંચ વડાપ્રધાનો (ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, એચ.ડી. દેવેગૌડા, આઈ.કે. ગુજરાલ અને ડો. મનમોહન સિંહ) ની સાયન્ટિફિક એડવાઇઝરી કાઉન્સિલમાં મહત્ત્વની સેવાઓ આપી છે. તેમણે બેંગલુરુમાં વિશ્વવિખ્યાત JNCASR ની સ્થાપના કરી હતી અને તેમને ભારત રત્ન, પદ્મવિભૂષણ તેમજ કર્ણાટક રત્ન જેવા સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
એક મહાન વૈજ્ઞાનિક અને દેશની વિભૂતિ સામે માત્ર સ્પેલિંગની સામાન્ય ભૂલ પાછળ આ પ્રકારની કડક પ્રક્રિયા અપનાવવી એ તંત્રની કામગીરી પર મોટા સવાલો ઊભા કરે છે. આ ઘટના દર્શાવે છે કે વહીવટી પ્રક્રિયાઓમાં સામાન્ય નાગરિકોની સાથે સાથે દેશની દિગ્ગજ હસ્તીઓની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય સુગમતા દાખવવી કેટલી જરૂરી છે.
