ભારતમાં માનવ અધિકારનો ભંગ, દલિતો, પછાતો અને રોહિંગીયા સાથે ભારે પક્ષપાત
ભારતે આક્ષેપો ફગાવી, અહેવાલને રાજકીય દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યો
ભારતમાં દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો, ધાર્મિક-વંશીય લઘુમતીઓ અને રોહિંગીયા જેવા બિન-નાગરિક સમુદાયો સામે ભેદભાવ અને માનવ અધિકારોના ભંગ અંગે સંયુક્ત રાષ્ટ્રની વંશીય ભેદભાવ નિવારણ સમિતિ (UNCERD)એ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સમિતિએ કાયદા અમલ કરનાર તંત્ર દ્વારા મોટા પાયે ઉલ્લંઘનોના અહેવાલોનો ઉલ્લેખ કરી ભારતને વધુ અસરકારક પગલાં ભરવાની ભલામણ કરી છે. જોકે ભારત સરકારે આ તારણોને તીવ્ર શબ્દોમાં ફગાવી દીધાં છે અને અહેવાલમાં કરવામાં આવેલા ઉલ્લેખોને રાજકીય પ્રેરિત, દુર્ભાવનાપૂર્ણ તથા આધારવિહોણા ગણાવ્યાં છે.
સંયુક્ત રાષ્ટ્ર (UN) ની જાતિગત ભેદભાવ નાબૂદી સમિતિ (UNCERD) એ ભારતમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ , દલિતો, રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓ અને બંગાળીભાષી મુસ્લિમો વિરુદ્ધ થઈ રહેલા કથિત માનવાધિકાર ઉલ્લંઘન અને ભેદભાવ અંગે મંગળવારે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. વર્ષ 2007 પછી પ્રથમ વખત ભારતની સ્થિતિની સમીક્ષા કરતી વખતે, ૧૮ સભ્યોની આ આંતરરાષ્ટ્રીય પેનલે કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા આ વંચિત સમુદાયો વિરુદ્ધ અપ્રમાણસર બળપ્રયોગ, ન્યાયિક પ્રક્રિયા વિના અટકાયત, ટોર્ચર અને નકલી એન્કાઉન્ટર જેવા કથિત મામલાઓમાં તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગણી કરી હતી.
આ પણ વાંચો: કર્ણાટકમાં વંદે માતરમના માત્ર બે અંતરા જ ગવાશે: ડી.કે.શિવકુમારની ઘોષણા
સમિતિએ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા અને ગૃહ મંત્રાલયના જૂના આદેશો બાદ રોહિંગ્યાઓ અને બંગાળી મુસ્લિમો વિરુદ્ધ કાયદાકીય એજન્સીઓની કાર્યવાહીમાં મોટો વધારો થયો હોવાનું નોંધ્યું છે, જેમાં વંશીય પ્રોફાઇલિંગના આધારે મનસ્વી ધરપકડો કરવામાં આવી રહી છે. યુએન વોચડોગે નવી દિલ્હીને સામૂહિક દેશનિકાલ પ્રક્રિયા અટકાવવા, હેટ સ્પીચસામે કડક પગલાં લેવા અને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ શરણાર્થીઓને રક્ષણ પૂરું પાડવા તાકીદ કરી છે.
આ સમીક્ષા બેઠકમાં ભારતના 2023માં રજૂ કરાયેલા અહેવાલોની ચર્ચા કરવામાં આવી હતી. તેમાં વંશીય ભેદભાવ નિવારણ સંમતિ (ICERD)ના અમલીકરણ, પછાત સમુદાયોની સ્થિતિ અને અસહિષ્ણુતા સામેના પગલાં જેવા મુદ્દાઓ પર વિચારણા થઈ હતી. ભારતીય પ્રતિનિધિમંડળે દેશની વૈવિધ્યસભર પરંપરા, બંધારણીય સુરક્ષાઓ, અનામત નીતિઓ, ન્યાયિક ઉપાયો અને સમાનતા માટેના સરકારી પ્રયાસો અંગે સમિતિને માહિતગાર કર્યું હતું.
શું કહ્યું વિદેશ મંત્રાલયે?
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતે સમીક્ષા પ્રક્રિયામાં રચનાત્મક ભાવના સાથે ભાગ લીધો હતો અને વંશીય ભેદભાવ સામે લડવાની પોતાની પ્રતિબદ્ધતા પુનઃદૃઢ કરી હતી. સમીક્ષા દરમિયાન ભારતે બંધારણીય સુરક્ષા, મજબૂત કાનૂની માળખું, બહુવાદી પરંપરા અને વંચિત વર્ગોના હિતોની રક્ષા માટેના પ્રયાસો અંગે વિગતવાર રજૂઆત કરી હતી. મંત્રાલયે કહ્યું કે સોલિસિટર જનરલ તુષાર મહેતાના નેતૃત્વ હેઠળના ભારતીય પ્રતિનિધિમંડળે સમિતિ દ્વારા કરવામાં આવેલી વ્યાપક સામાન્યકરણો, આધારવિહોણા આક્ષેપો અને સંમતિની મર્યાદા બહાર જતી ટિપ્પણીઓને સમીક્ષા બેઠક દરમિયાન જ નકારી કાઢી હતી. ભારત સમિતિના અવલોકનોનો સત્તાવાર પ્રક્રિયા મુજબ જવાબ આપશે, પરંતુ અહેવાલમાં સમાવિષ્ટ રાજકીય પ્રેરિત અને અત્યંત દુર્ભાવનાપૂર્ણ સંદર્ભોને તે સંપૂર્ણપણે અસ્વીકાર કરે છે, એમ પણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું.
