હોમવર્ક ન કરવા બદલ શિક્ષકે એવો ખખડાવ્યો કે 6 વર્ષના માસૂમે શિક્ષકના ખોળામાં જ દમ તોડ્યો
વિશાખાપટ્ટનમની એક શાળામાં બનેલી ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. લિટલ ગાર્ડન સ્કૂલમાં LKGમાં અભ્યાસ કરતા 6 વર્ષના માસૂમ વિદ્યાર્થી પ્રણય તેજનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે હોમવર્ક પૂરું ન કરવાના કારણે શિક્ષકે બાળકને ભારે માર માર્યો હતો અને ઠપકો આપ્યો હતો, જેના આઘાત અને ડરથી બાળકે શિક્ષકના ખોળામાં જ દમ તોડી દીધો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
ઘટના અને સીસીટીવી (CCTV) ફૂટેજના ખુલાસા
મળતી માહિતી મુજબ, વિશાખાપટ્ટનમની લિટલ ગાર્ડન સ્કૂલમાં LKGનો છાત્ર પ્રણય તેજ દરરોજની જેમ શાળાએ ગયો હતો. પરિવારનો આક્ષેપ છે કે હોમવર્ક ન કરવા બદલ શિક્ષકે બાળકને ડરાવીને માર માર્યો હતો, જેનાથી તે એટલો બધો ગભરાઈ ગયો કે સતત રડવા લાગ્યો અને તેને ખાંસી આવવા લાગી. થોડી જ વારમાં માસૂમ બાળક શિક્ષક પર જ ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો.
બાળકની તબિયત ગંભીર થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારનું કહેવું છે કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ બાળકનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ ઘટનાના શાળાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં શિક્ષક બાળકને ઠપકો આપતા સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં 1 વર્ષ સુધી મોંઘી બોટલમાં નકલી દારૂ વેચાયો!: એકની ધરપકડ
પરિવારની કડક કાર્યવાહીની માંગ અને વહીવટી તંત્રની પ્રતિક્રિયા
માસૂમ બાળકના અચાનક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારજનોનું કહેવું છે કે તેમનો બાળક હસતો-રમતો શાળાએ ગયો હતો પરંતુ જીવતો પાછો ન ફર્યો. તેમણે જવાબદાર શિક્ષક અને સ્કૂલ મેનેજમેન્ટ સામે કડક ન્યાયિક કાર્યવાહીની માંગ કરી છે.
આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) પ્રેમ કુમારે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે આ એક અત્યંત દુઃખદ અને ગંભીર ઘટના છે. ફોન દ્વારા જાણ થતાં જ તાત્કાલિક એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી, પરંતુ કમનસીબે છાત્રનો જીવ બચી શક્યો નહોતો. શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે વિસ્તૃત તપાસ રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી રહ્યો છે અને દોષિતો સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. પોલીસે પણ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના શૈક્ષણિક સંસ્થાઓમાં નાના બાળકો પર થતા માનસિક અને શારીરિક દબાણ સામે મોટો સવાલ ઊભો કરે છે. શાળાએ જ્ઞાન અને સુરક્ષાનું ધામ બનવું જોઈએ, પરંતુ કડક શિસ્ત કે હોમવર્કના નામે માસૂમ બાળકો સાથે થતી આવી ક્રૂરતા અક્ષમ્ય છે. આ મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થઈને દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી થાય તે જ પરિવાર અને સમાજ માટે ન્યાય સાબિત થશે.
