ન્યૂયોર્કમાં વન ટુ વન બેઠકોનો દૌર, ગુજરાતમાં મોટા રોકાણની શક્યતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટ 2027ના પૂર્વાધરૂપે યુ.એસ. પ્રવાસના પાંચમા દિવસે ન્યુયોર્કમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે વન ટુ વન બેઠકોનો દૌર ચલાવ્યો હતો. તેમણે આ બેઠકોની શૃંખલામાં આઈ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓના વિશ્વના સૌથી મોટા સર્વિસ પ્રોવાઇડરમાં સ્થાન પામેલી કિન્ડ્રીલના ગ્લોબલ હેડ ઓફ ડિલિવરી યુત ઝેકર્સેસ કુપર સાથે બેઠક યોજી હતી.
આ બેઠકની ચર્ચાઓ દરમિયાન કિન્ડ્રીલના યુત કુપરે એ.આઈ. સ્ટ્રેટેજિઝ, સ્ટુડન્ટ્સ અને સ્ટાર્ટઅપ્સના સ્કીલિંગ તથા નોલેજ શેરિંગ અને મેન્ટરશીપ માટે રાજ્ય સરકાર સાથે સહયોગ માટે ઉત્સુક્તા દર્શાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ.આઈ. તથા ડેટા સેન્ટર, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં નેક્સ્ટ જનરેશન ઇન્વેસ્ટમેન્ટ માટે ઝડપથી ચોઈસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે તેની ભૂમિકા આપી હતી.
તેમણે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન અને પ્રોડક્શન પાવર હાઉસ છે તે અંગેના વિવિધ સેક્ટર્સથી પણ કિન્ડ્રીલના ગ્લોબલ હેડને માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રીએ જાન્યુઆરી 2027માં યોજનારી વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવા પણ આમંત્રણ પાઠવ્યું હતું.
આ પણ વાંચો: GPCB દ્વારા રાજ્યવ્યાપી ‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત અભિયાન’નો પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત એસેટ મેનેજમેન્ટ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ક્ષેત્રે વિશ્વની મોટી કંપનીઓમાંની એક એવી બ્લેકરોકના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર અને ડેવલોપમેન્ટ માટેના ગ્લોબલ હેડ સુસમારા કોહેન સાથે વન ટુ વન બેઠક કરી હતી.
ન્યૂયોર્કમાં હેડ ક્વાર્ટર ધરાવતી અને 1998માં સ્થપાયેલી બ્લેકરોક 100થી વધુ દેશોમાં સેવાઓ પૂરી પાડે છે. એસેટ મેનેજમેન્ટ, ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ, રિસ્ક મેનેજમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટિંગ જેવા સેક્ટર્સમાં બ્લેકરોકની લિડરશીપથી તે ઝડપથી વિકસતા અર્થતંત્ર માટે વિશ્વસનીય ભાગીદાર બની શકે તેમ છે તેની ભૂમિકા સુસમારા કોહેને મુખ્યમંત્રીસમક્ષ આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સ્થપાયેલું ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ ફિન્ટેક હબ તરીકે વર્ડ ક્લાસ ફાઈનાન્સિયલ ઇકો સિસ્ટમથી સજ્જ છે તેની વિગતવાર ચર્ચા કરી હતી. યુ.એસ.માં હેડ ક્વાર્ટર ધરાવતી અનેક ફિનટેક કંપનીઝ અને બેન્ક્સ ગિફ્ટ સિટીમાં પોતાનો કારોબાર ધરાવે છે તેની પણ ચર્ચા મુખ્યમંત્રીએ આ બેઠક દરમ્યાન કરી હતી.
ગિફ્ટ સિટી ઇ.ટી.એફ. અને એસેટ મેનેજમેન્ટમાં ગ્લોબલ હબ બનવાની ક્ષમતા ધરાવે છે તે સંદર્ભમાં મુખ્યમંત્રીએ બ્લેકરોકને ગિફ્ટ સિટીમાં ઝડપથી સેવા વિસ્તરણ માટે અને આગામી વાઇબ્રન્ટ સમિટમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન ટુ વન બેઠકોના ઉપક્રમમાં હોલ્ટેક ઇન્ટરનેશનલના સી.ઈ.ઓ. સાથે પણ બેઠક યોજી હતી. ૧૯૮૬માં સાઉથ જર્સીમાં સ્થપાયેલી હોલ્ટેક ઇન્ટરનેશનલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે હોટ-વેટ ફ્યુઅલ સ્ટોરેજ સોલ્યુશન્સ પ્રદાન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ધરાવે છે.
હોલ્ટેકે વધતી એર કુલ્ડ કન્ડેન્સરની માર્કેટ જરૂરિયાત પૂર્ણ કરવા માટે ગુજરાતમાં પોતાની પ્રિસિઝન ફેબ્રિકેશન સિસ્ટમ શરૂ કરી છે અને 2025માં આ સુવિધાઓનું વિસ્તરણ પણ કર્યું છે. હોલ્ટેકે સ્મોલ મોડ્યુલ રિએક્ટર્સ ઉત્પાદન અને રિસર્ચ ડેવલપમેન્ટ સેન્ટર ગુજરાતમાં સ્થાપવા માટે પણ રસ દાખવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-2026 અંતર્ગત સ્મોલ મોડ્યુલ રિએક્ટર્સ સહિત ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટસની થ્રસ્ટ એરીયા તરીકે ઓળખ કરવામાં આવી છે તેની વિગતો આ વન ટુ વન બેઠકમાં આપી હતી. ગુજરાત સાથે હોલ્ટેક ઇન્ટરનેશનલની સહભાગીતા રાજ્યની ન્યુક્લિયર ટેકનોલોજી અને પ્રોડક્શન ઇકો સિસ્ટમને કઈ રીતે વધુ મજબૂત બનાવી શકાય તે અંગે પણ આ બેઠકમાં પરસ્પર પરામર્શ થયો હતો. મુખ્ય સચિવ એમ. કે. દાસ અને ગુજરાત ડેલિગેશનના વરિષ્ઠ સચિવો આ વન ટુ વનમાં ઉપસ્થિત રહ્યા હતા.
