સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B.Com sem-2ની પરીક્ષામાં 75 ટકા વિદ્યાર્થીઓ નાપાસ
પરિણામ પરત ખેંચી ફરીથી મૂલ્યાંકન કરવા માગણી
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી કોમ સેમ -૨ ની એપ્રિલ ૨૦૨૬ માં લેવાયેલી પરીક્ષામાં ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગ અને બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ એમ બંને સબ્જેક્ટમા ૭૫% વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા હોવાનું જાહેર થતા ભારે ચર્ચા જાગી છે. આ પરિણામથી વાલીઓ પણ ચિંતામાં છે કારણ કે તેમના સંતાનોએ આખુ વર્ષ મહેનત કરીને પરીક્ષા આપી હતી અને આવુ અણધાર્યું પરિણામ આવ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, કુલ ૧૬,૫૯૫ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાંથી ૭૫ ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. બીકોમ સેમ -૨ ના પરિણામો જો છબરડો થયો છે તો તાકીદે પરિણામ પરત ખેંચીને ફરીથી પેપર મૂલ્યાંકન થવું જોઈએ તેવી માંગ છે.
વિદ્યાર્થીઓને પરીક્ષામા પોતે જે રીતે લખ્યું એ રીતે માર્ક મળવા જોઈએ અને તે સુધારો નહીં થાય તો આવનારા દિવસોમાં અચોક્કસ મુદત પર ભૂખ હડતાલ કરીશુ તેવી ચીમકી પણ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચો: 9થી વધુ સીમ કાર્ડ ધરાવનારનો ફોટો ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ પર આવશે
આ અંગે વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે કહ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવા નિમણૂક પામેલા પરીક્ષા નિયામક માત્ર સિદ્ધાંતોની વાતો કરે છે પણ વાસ્તવમા હજુ કોઈ પરીક્ષા વિભાગમા ફેર નથી પડ્યો. વિદ્યાર્થીઓની પરીક્ષાઓના દિવસ રાત મહેનત કરી પરિક્ષાઓ આપ્યા બાદ ઉત્તરવહીનું મૂલ્યાંકન રગડધગડ જ થાય છે. માર્ક પણ ઉધડા મૂકી દેવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓનો મહેનત પર પાણી ફરી વળે છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરવહીનું મૂલ્યાંકન કરતા અધ્યાપકોનુ આપવામાં આવતું ભથ્થું છેલ્લા ઘણા સમયથી બાકી છે એટલે કોઈ પેપર મૂલ્યાંકન કરવા આવતા નથી તે શરમજનક છે. યુનિવર્સિટી પાસે કાર્યક્રમો પાછળ તાયફાઓ કરવાના પૈસા છે પણ વિદ્યાર્થીઓના પરિણામો સાથે સંકળાયેલ ગંભીર મુદ્દે પૈસા નથી . પરીક્ષાઓના પેપર મૂલ્યાંકન માટે જે ૧૦ કો ઓર્ડિનેટરો નિમ્યા છે તે બધા મળતિયાઓ છે જેની પાસે વહીવટી આવડત નથી એટલે પરીક્ષાઓમાં પરિણામોમાં લાલીયાવાડી ચાલે છે તે કડવી વાસ્તવિકતા છે. સતાધીશોએ જ્ઞાતિવાદ અને પક્ષવાદથી ઉપર આવી શૈક્ષણિક મુદે ગંભીરતા દાખવવી જોઈએ.
