૧૫મી ઓગસ્ટની રજામાં શ્રાવણિયો જુગાર શરૂ કરતાં પોલીસ વિઘ્ન બની ત્રાટકી
પરિવાર સાથે ઘરમાં ગંજીપત્તા રમવા એ જુગાર નથી તેવો હાઇકોર્ટે હુકમ કર્યો છે પરંતુ સૌરાષ્ટ્રવાસીઓએ બહારથી માણસો બોલાવી શ્રાવણ માસ નિમિત્તે જુગારના અખાડા શરૂ કરતાં પોલીસે હોટલ, રીસોર્ટ અને કોટન મીલમાં દરોડા પાડી જુગાર રમતાં ૩૬ શખસોની ધરપકડ કરી ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરતાં જુગારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
જેતપુર-જૂનાગઢ રોડ પર આવેલ વ્રજવાટિકા હોટલમાં જુગારનો અખાડો ચાલતો હોવાની રેન્જ આઈજી નિર્લિપ્ત રાયને મળેલી બાતમીના આધારે તેમના સ્કવોડે દરોડો પાડી હોટલમાં જુગાર રમતાં જેતપુરના પરેશ ઉર્ફે ખટર ભીખુભાઈ કાછડિયા, મંડલિકપુરના હરેશ છગનભાઈ સેજલિયા, ખંભાળિયાના ગૌતમ નાથાભાઈ પરમાર, ખંભાળિયાના માયાભાઈ જાડાભાઈ માવાણી, પોરબંદરના રામજી ઉર્ફે રામદે ગોગનભાઈ ભોગેસરા, જૂનાગઢના ભાવેશ રસિકભાઈ ધુળેશિયા, જેતપુરના અનિશ શાંતિભાઈ વેકરિયા, કુતિયાણાના સમાભાઈ દેવાભાઈ અને જેતલસરના દીપક જમનભાઈ બોઘરાની ધરપકડ કરી હતી.
પોલીસે જુગારના અખાડામાંથી ૧૨,૨૬,૧૦૦ની રોકડ, બે કાર અને ૭ મોબાઈલ ફોન મળી કુલ ૪૧,૨૬,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે હોટલના માલિક પરેશ ભીખુભાઈ કાછડિયા અને દીપક જમનભાઈ પોલરા હોવાનું જાણવા મળ્યું છે. બીજો દરોડો ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા નજીક ભોજદે ગામ પાસે આવેલ કેરીના રિટ્રીટ રીસોર્ટમાં પાડવામાં આવ્યો હતો જેમાં રીસોર્ટના રૂમ નં.૩૦૨માં જુગાર રમતાં અમદાવાદના પ્રવાસી તૃષ વિષ્ણુભાઈ પટેલ, સુરેશ મોહનભાઈ પટેલ, મયુર વાડીલાલ પટેલ, કેનીત રાજેશભાઈ આચાર્ય, રોનક લાલાભાઈ પંચાલ, તેજસ અંબાલાલ પટેલ, મનિષ રતિલાલ પટેલ, ભાવિન રાજેશભાઈ પટેલ અને દર્શન રસિક પટેલની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટે્રનનું ટાઇમ ટેબલ આજથી બદલાયું
ગીર-સોમનાથ એલસીબીએ રીસોર્ટમાં ચાલતી ક્લબમાંથી રોકડ અને મોબાઈલ ફોન મળી ૬,૬૭,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી જુગાર રમાડતા રીસોર્ટના મેનેજર વિમેશ લાલજી વાઢેરની ધરપકડ કરી હતી.
ત્રીજો દરોડો મોરબી જિલ્લાના ટંકારા નજીક લતીપર રોડ પર આવેલ ધર્મજીવન કોટન મીલમાં પાડવામાં આવ્યો હતો જેમાં જુગાર રમતાં કારખાનેદાર અક્ષય રસિકભાઈ ગજેરા, રાજકોટના હેમાંગ રજનીશભાઈ ભાગીયા, હરબટીયાળીના વિવેક ગણેશભાઈ નમેરા, રાજકોટના યશ ઠાકરશીભાઈ ગજેરા, ગણેશપરના પ્રફુલ અમરશી ભાગીયા, મોરબીના સુભાષ ધીરજલાલ ડાકા, ગણેશપરના દર્શન મનસુખ ભાગીયા, રાજકોના ભાર્ગવ પ્રવીણભાઈ ભાગીયા, હરબટીયાળીના મીતેશ ગંગારામ નમેરા, હર્ષદ વેલજી નમેરા, રાજકોટના હાર્દિક ભરતભાઈ ભાગીયા, હરબટીયાળીના નિખિલ ભાવેશ નમેરા, રાજ રજનીકાંત સંઘાણી, રાજકોટના અભિષેક લલિતભાઈ પીપળિયા, ટંકારાના મેહુલ જગદીશ હુબરિયા, ટંકારાના કશ્યપ રસિક પટેલ, ગણેશપરના વિશાલ નાગજી ભાગીયા, આશિષ મુળજી ભાગીયા અને સુનિલ ત્રિભોવન ભાગીયાની ધરપકડ કરી હતી.
પોલીસે કોટન મીલમાં ચાલતા જુગારના અખાડામાંથી ૧,૩૦,૦૦૦ની રોકડ અને ૨૪ મોબાઈલ ફોન મળી કુલ ૩,૧૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
