સંસદઃ ખાયા પિયા કુછ નહીં, ગિલાસ તોડા બારાહ આના… ન ચર્ચા થઈ… ન સમાધાન થયુ…
આવો, વિસ્તૃત ચર્ચા માટે તૈયાર છું : અમિત શાહ
ચર્ચામાં રસ નથી, રાજીનામું આપો: રાહુલ ગાંધી
દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને પેલેટ ગનના ઉપયોગના મુદ્દે વિપક્ષના સતત હુમલાઓ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પ્રથમ વખત મૌન તોડ્યું હતું. તેમણે સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવા માટે વિપક્ષને ખુલ્લો પડકાર આપી બપોરે 3 વાગ્યાથી ચર્ચા શરૂ કરવામાં આવે તો તેઓ ગુરુવારે બપોરે 3 વાગ્યે ગૃહમાં હાજર રહી તમામ પ્રશ્નોના વિગતવાર જવાબ આપવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.
અમિત શાહે વિપક્ષ ચર્ચાથી ભાગી રહ્યો હોવાનો અને સંસદની કાર્યવાહી અટકાવી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓના મુદ્દે ચર્ચા થવા દેવામાં આવે તો તેઓ દરેક પ્રશ્નનો જવાબ આપવાની તૈયારી દર્શાવી હતી. ગૃહમંત્રીના આ નિવેદન બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તરત જ પ્રતિક્રિયા આપતાં ચર્ચાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશના યુવાનો ગૃહમંત્રીને સાંભળવા માંગતા નથી, પરંતુ તેઓ જાણવા માંગે છે કે વિદ્યાર્થીઓ પર ગોળી અને પેલેટ ગન ચલાવવાનો આદેશ કોણે આપ્યો હતો. દિલ્હી પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. જો આદેશ અમિત શાહે આપ્યો હોય તો તેઓ જવાબદાર છે અને જો આદેશ આપ્યો ન હોય તો તેઓ અસમર્થ સાબિત થાય છે. બંને સ્થિતિમાં તેમણે રાજીનામું આપવું જોઈએ.
હું દરરોજ સંસદમાં આવું છું: અમિત શાહ
વિપક્ષ દ્વારા તેમને “ભગોડા” અને “લાપતા” ગણાવવામાં આવતાં અમિત શાહે તેનો પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ દરરોજ સંસદ પરિસરમાં પોતાના ચેમ્બરમાં હાજર રહે છે. ગૃહમાં એટલા માટે જતા નથી કારણ કે વિપક્ષ કાર્યવાહી ચાલવા દેતો નથી.નોંધનીય છે કે પોલીસ દમન મુદે વિપક્ષોએ ગૃહ માથે લીધું તે પછી વડાપ્રધાન અને ગૃહ મંત્રીએ ગૃહમાં હાજર રહેવાનું ટાળ્યું છે અને વિપક્ષો દરરોજ તેમના જવાબની માંગણી સાથે સંસદ પરિસરમાં દેખાવ કરી રહ્યા છે.
ગૃહમંત્રીએ ગૃહના નિયમોનો હવાલો આપ્યો
અમિત શાહે જણાવ્યું હતું કે સંસદમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાની એક નક્કી પ્રક્રિયા અને નિયમો હોય છે. આવા ગંભીર વિષય પર માત્ર નિવેદન આપીને વાત પૂર્ણ થઈ શકતી નથી. પ્રથમ ચર્ચા થવી જોઈએ અને ત્યારબાદ સરકાર પોતાની વિગતવાર પ્રતિક્રિયા આપે છે. વિપક્ષ પોતાની શરતો મુજબ કાર્યવાહી ચલાવવાની માંગ કરી શકે નહીં અને ગૃહના નિયમોનું પાલન કરવું જ પડે.
શું કહ્યું અમિત શાહે ?
વિદ્યાર્થીઓના મુદ્દે ચર્ચા માટે હું સંપૂર્ણ તૈયાર છું.
બપોરે 3 વાગ્યે ચર્ચા શરૂ કરો, હું જવાબ આપીશ.
વિપક્ષ ચર્ચાથી ભાગી રહ્યો છે અને સંસદ ચલાવવા દેતો નથી.
હું દરરોજ સંસદમાં હાજર રહું છું.
ચર્ચા પછી તમામ પ્રશ્નોના વિગતવાર જવાબ આપીશ.
સંસદમાં ચર્ચા માટે નિયમો હોય છે, શરતો નહીં.
શું કહ્યું રાહુલ ગાંધીએ ?
યુવાનો અમિત શાહને સાંભળવા માંગતા નથી.
વિદ્યાર્થીઓ પર કાર્યવાહીનો આદેશ કોણે આપ્યો તે જણાવો.
દિલ્હી પોલીસ અને આરએએફ ગૃહ મંત્રાલય હેઠળ આવે છે.
આદેશ આપ્યો હોય તો અમિત શાહ જવાબદાર છે.
આદેશ ન આપ્યો હોય તો તેઓ અસમર્થ છે.
બંને સ્થિતિમાં તેમણે રાજીનામું આપવું જોઈએ.
સરકાર પાસે જવાબ નથી અને તે ડરી રહી છે.
