અમદાવાદમાં મેઘમહેર: કઠવાડામાં પોણા બે ઈંચ વરસાદ, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદ શહેરમાં મેઘરાજાના નવા રાઉન્ડ સાથે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. કાળા ડિબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે સોલા, પ્રહલાદનગર, બોપલ, મકરબા અને ઇસ્કોન સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. પશ્ચિમ વિસ્તારમાં વિઝિબિલિટી ઘટવાને કારણે વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. સતત વરસી રહેલા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને સાબરમતી નદીના સ્તરને નિયંત્રિત કરવા માટે વાસણા બેરેજના 3 દરવાજા એક-એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.
સવારના 3 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો? (સવારે 6 થી 9 વાગ્યા દરમિયાન)
આજના સવારના સત્રમાં પૂર્વ અને ઉત્તર ઝોનમાં મેઘરાજાએ મન મૂકીને વરસી ચૂક્યા છે, જેમાં ટોચના ૧૦ વિસ્તારોની વિગત નીચે મુજબ છે:
| ક્રમ | વિસ્તાર | વરસાદ (ઇંચમાં) |
| ૧ | કઠવાડા | ૧.૭૭ ઇંચ |
| ૨ | હંસપુરા | ૧.૦૦ ઇંચ |
| ૩ | ઓઢવ ડ્રેનેજ પમ્પિંગ | ૦.૯૪ ઇંચ |
| ૪ | નિકોલ | ૦.૮૫ ઇંચ |
| ૫ | વસ્ત્રાલ | ૦.૮૧ ઇંચ |
| ૬ | વિરાટનગર | ૦.૬૯ ઇંચ |
| ૭ | ઓઢવ | ૦.૬૭ ઇંચ |
| ૮ | નરોડા | ૦.૬૭ ઇંચ |
| ૯ | સરદારનગર | ૦.૫૭ ઇંચ |
| ૧૦ | ચકુડિયા | ૦.૪૭ ઇંચ |
આ પણ વાંચો: કોકરોચ જનતા પાર્ટીનું ગ્રામીણ શિક્ષણ સુધારવા 15 ઓગસ્ટથી દેશભરમાં રાષ્ટ્રવ્યાપી અભિયાન
હવામાન વિભાગની આગાહી અને અન્ય મહત્વના અપડેટ્સ
સિઝનનો કુલ વરસાદ: અમદાવાદમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ ૨૩.૮૨ ઇંચ (૬૬.૧૭%) વરસાદ વરસી ચૂક્યો છે.
તાપમાન અને ભેજ: વરસાદના કારણે મહત્તમ તાપમાન ઘટીને ૨૯.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં ૨.૩ ડિગ્રી ઓછું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા રહ્યું છે.
આગામી ૫ દિવસની આગાહી: શહેરમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે, પરંતુ ભારે વરસાદની શક્યતા ઘણી ઓછી છે.
રાજ્યમાં યલો એલર્ટ: આજે (૧૧ ઓગસ્ટ) હવામાન વિભાગ દ્વારા અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
