`તારક મહેતા’ શોમાં કામ કરવા કિશોરે કાપ્યું 900 કિ.મી. અંતર
અસિત મોદીએ કહ્યું, સપનાં જુઓ, પરંતુ સાચા રસ્તે આગળ વધો
લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અભિનય કરવાની ઇચ્છા સાથે ૧૬ વર્ષનો એક કિશોર પરિવારને જાણ કર્યા વિના આશરે ૯૦૦ કિલોમીટરનો પ્રવાસ કરીને મુંબઈ પહોંચી ગયો હતો. મધ્યપ્રદેશના છિદવાડાનો આ કિશોર ગુરુવારે શાળાએ જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ શાળાએ જવાને બદલે રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાંથી નાગપુર અને બાદમાં મુંબઈની ટે્રન પકડીને શુક્રવારે ગોરેગાંવ પહોંચ્યો હતો.
ગોરેગાંવથી કિશોર ચાલતો ફિલ્મ સિટી સુધી પહોંચી ગયો હતો. ફિલ્મ સિટીમાં એકલો ફરતો જોઈ પોલીસને શંકા જતાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. કિશોરે જણાવ્યું કે તે અભિનયમાં કારકિર્દી બનાવવા અને તારક મહેતામાં કામ કરવા માગે છે. પોલીસે તેને પોલીસ સ્ટેશન લઈ જઈ તેના પિતાનો સંપર્ક કર્યો હતો.
આ પણ વાંચો: હોર્મુઝ મુદે ભારે ગૂંચવાડો, એક તરફ શાંતિ મંત્રણાઓ બીજી તરફ ટ્રમ્પની ધાક-ધમકી
ઘટના અંગે શોના નિર્માતા અસિત કુમાર મોદીએ યુવા ચાહકોને સંદેશ આપતાં કહ્યું કે મોટા સપનાં જોવાં અને મહેનત કરવી જરૂરી છે, પરંતુ અભ્યાસ, સુરક્ષા અને માતા-પિતાનો વિશ્વાસ સૌથી પહેલાં આવે છે. તેમણે યુવાનોને પરિવારના સહયોગ અને સત્તાવાર કાસ્ટિગ પ્રક્રિયા દ્વારા જ આગળ વધવાની અપીલ કરી હતી.
