આંબરડી સફારી પાર્ક પાસે 100 હેક્ટર વિસ્તારમાં આજીવન કેદની સજા ભોગવતા સિંહો રાખવાનો નિર્ણય લેવાયો
જંગલના રાજા સિંહ અને મનુષ્યની દોસ્તીની ઈતિહાસમાં અનેક મિસાલ મોજૂદ છે પરંતુ છેલ્લા થોડા સમયથી સાવજોની પજવણી વધતા અતિ હિંસક બની ગયા છે જેમાં એક જ માસમાં સાવજે અડધો ડઝનથી વધુ સ્થળે મનુષ્ય પર હુમલા કરી શિકાર કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. વન વિભાગ દ્વારા મનુષ્યનું લોહી ચાખી ગયેલા સાવજોને પકડીને પાંજરે પૂર્યા છે અને તેમને આજીવન કેદની સજા આપવામાં આવી છે ત્યારે હવે રાજ્ય સરકાર આંબરડી સફારી પાર્ક પાસે હિંસક સાવજો માટે ખાસ આરક્ષિત સેન્ટર ઉભું કરવાનો નિર્ણય લીધો છે.
સૌરાષ્ટ્રની શાન ગણાતા સિંહ આખા એશિયામાં એક માત્ર ગીરમાં જ જોવા મળે છે. છેલ્લા થોડા વર્ષોથી સિંહોની સંખ્યા વધારવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જરૂરી પગલાં લેતા સાસણ ગીર અને બૃહદ ગીરમાં ૮૦૦થી વધુ સિંહો વસવાટ કરી રહ્યા છે.
જંગલમાં શિકારની સંખ્યા ઘટવા લાગી છે અને સિંહોની સંખ્યા વધતા શિકારની શોધમાં છેલ્લા ઘણા સમયથી સિંહ રેવન્યુ વિસ્તારમાં ડેરાતંબુ નાખી દીધા છે. રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધી જતા તેની પજવણી કરી વીડિયો બનાવી વાઈરલ કરવાના અનેક કિસ્સા સામે આવ્યા છે.
આ પણ વાંચો: 15 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું: ખેડૂતોમાં ખુશીની લહેર
વનરાજની લાઈફસ્ટાઈલમાં કાળા માથાનો માનવી ખલેલ પહોંચાડવા લાગતા રોષે ભરાયેલ સાવજ હવે હિંસક બની ગયા છે જેમાં છેલ્લા એકમહિનામાં સાવજોના હુમલાની ૬ ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં બાળક સહિત પાંચ વ્યક્તિને સાવજે ફાડી ખાધા હતા.
સાવજો હિંસક બનતા વન વિભાગ એક્શનમાં આવી માનવ લોહી ચાખી ગયેલા સાવજોને પાંજરે પુરી તેમને આજીવન કેદની સજા કરવામાં આવી છે ત્યારે હવે આજીવન કેદની સજા પડેલા સાવજોને રાખવા ક્યા તે મુદ્દો વન વિભાગ માટે પેચીદો બની ગયો છે.
વન વિભાગ દ્વારા આ બાબતે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરતા અમરેલીના ધારી નજીક આવેલ આંબરડી સફારી પાર્ક પાસે ૧૦૦ હેક્ટર જમીનમાં માનવ હુમલામાં સંડોવાયેલા સાવજોને ખાસ આરક્ષિત જગ્યામાં રાખવાનો નિર્ણય લેવાયો છે જેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
રાજ્ય સરકાર તેમજ વન વિભાગ દ્વારા સાવજોની સંરક્ષણ અને સંવર્ધન માટેની વિવિધ યોજનાઓ, પ્રોજેક્ટોનો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે.
