ટ્રાફિકનાં ઈ-મેમોના 1600 કરોડ રૂપિયા બાકી : લોકો ભરતા જ નથી
૧૫ ટકા લોકો જ તુરંત દંડ ભરે છે
ગાંધીનગર: ગુજરાતમાં ટ્રાફિકના કાયદાનો ભંગ મોટાભાગે હેલ્મેટ અને સ્ટોપલાઈન ક્રોસ કરવાના મામલે થાય છે. જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતમાં દર મિનિટે સરેરાશ ૧૭ જેટલા ચલણ ઇસ્યુ થાય છે. આ ઈ-મેમો ભરવામાં પણ ગુજરાતીઓ આળસ બતાવે છે અને આમ કરતા કરતા બાકી રકમનો આંક ૧૬૦૦ કરોડ રૂપિયાને પાર થઇ ગયો છે. ગુજરાતમાં ટ્રાફિક પોલીસે ઈ-ચલણ ઇસ્યુ કરવાની શરૂઆત ૨૦૨૩માં કરી હતી અને અત્યાર સુધીમાં ૧.૯૯ કરોડ ઈ-ચલણ ઇસ્યુ થયા છે. આ પૈકી ૧૫ ટકા લોકો જ સ્થળ ઉપર દંડ ભરે છે જયારે કેટલાક કોર્ટના ઓર્ડરની રાહ જુએ છે. રાહ જોયા પછી પણ મોટાભાગના લોકો ઈ-મેમોની રકમ ભરતા જ નથી.
એવું નથી કે, આ હાલત ગુજરાતમાં છે. બાકી મેમોની રકમના મામલે ગુજરાત તો દેશમાં સાતમાં નંબરે છે. રાજ્યસભામાં માર્ગ વાહનવ્યવહાર અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, 1 જાન્યુઆરી 2021થી 30 જુલાઈ 2026 વચ્ચે માત્ર છ રાજ્યોમાં જ ગુજરાત કરતાં વધુ રકમના ચલણ બાકી છે.આ યાદીમાં ઉત્તર પ્રદેશ રૂ. 11,331 કરોડથી વધુના બાકી ચલણ સાથે પ્રથમ સ્થાને છે, ત્યારબાદ દિલ્હી રૂ. 11,097.07 કરોડ સાથે બીજા, તમિલનાડુ રૂ. 3,601.76 કરોડ સાથે ત્રીજા, હરિયાણા રૂ. 2,620.53 કરોડ સાથે ચોથા, ઓડિશા રૂ. 2,167.52 કરોડ સાથે પાંચમાં અને રાજસ્થાન રૂ. 2,066.91 કરોડ સાથે છઠ્ઠા ક્રમે છે. ગુજરાત રૂ. 1,607.64 કરોડના બાકી દંડ સાથે દેશમાં સાતમા ક્રમે છે.
આ પણ વાંચો: સીમાંકન બિલને સમર્થન નહીં જ: વિવિધ અટકળો વચ્ચે DMK એ વલણ સ્પષ્ટ કર્યું
જાહેર થયેલી વિગત પ્રમાણે, 2022માં 2.85 લાખ, 2023માં 16.05 લાખ, 2024માં 43.25 લાખ, 2025માં 85.74 લાખ અને 2026ના પ્રથમ છ મહિનામાં 51.52 લાખ મળી કુલ 199.41 લાખ ઈ મેમો ઈસ્યુ થયા છે. ઈ-ચલણના નેશનલ પોર્ટલ પર જોડાયા પછી ગુજરાતે અત્યાર સુધીમાં લગભગ 1.99 કરોડ ઈ-ચલણ જારી કર્યા છે. 2023માં 16.04 લાખ, 2024માં 43.25 લાખ અને 2025માં વધીને 85.74 લાખ ઈ-ચલણ ઇશ્યૂ થયા હતા. 2026ના પ્રથમ સાત મહિનામાં જ 51.52 લાખ ઈ-ચલણ કરવામાં આવ્યા છે. જેનો અર્થ છે કે દરરોજ સરેરાશ 24,500, દર કલાકે 1,020 અને દર મિનિટે લગભગ 17 ચલણ ઇશ્યૂ થઈ રહ્યા છે.
ઈ-મેમો દ્વારા ફટકારવામાં આવેલા દંડની રકમ સતત વધી રહી હોવાથી સરકારે એક રસ્તો કાઢ્યો છે. સરકારના નિર્ણય અનુસાર, જે અંતર્ગત ટ્રાફિકના બાકી ઈ-ચલણ ન ભરનારા વાહનચાલકો હવે બાકી લેણાં નહીં ચૂકવે ત્યાં સુધી વિવિધ RTO સેવાઓનો લાભ લઈ શકશે નહીં.
