ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ આવી ગયુ, વિદ્યાર્થીઓનું આંદોલન પૂરુ થઇ ગયુ..પણ હજુ ઘીના ઠામમાં ઘી નથી પડ્યુ
પેપર લીક કરનારાઓને વધુ સાણસામાં લેવા માટે પબ્લિક એક્ઝામિનેશન સુધારા બિલ રજૂ થશે
કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષ વડાપ્રધાન માફી માંગે તેવી માંગ કરશે
વિદ્યાર્થીઓ ઉપર થયેલા દમન અંગે અમિત શાહને ભીંસમાં લેવાની પણ રણનીતિ
નવી દિલ્હી: પેપર લીક પ્રકરણમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ આવી ગયુ અને જંતરમંતર ઉપરનું કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન પણ પૂરું થઇ ગયું પરંતુ સરકાર સામેના પડકારો હજુ પુરા થયા નથી. હજુ ઘીના ઠામમાં ઘી પડવાનું બાકી છે કારણ કે વિરોધ પક્ષનો જુસ્સો હજુ શાંત થયો નથી. પેપર લીક કરનારા લોકો સામે વધુ આકરી કાર્યવાહીની જોગવાઈ દર્શાવતું બીલ સરકાર લોકસભામાં રજૂ કરવાની છે તો બીજી બાજુ કોંગ્રેસ અને સાથી પક્ષો વડાપ્રધાન આ મામલામાં દેશની માફી માંગે તેવી માંગ કરવાના છે સાથોસાથ વિદ્યાર્થીઓ ઉપર થયેલા અત્યાચારને લઈને ગૃહમંત્રી અમિત શાહને ભીંસમાં લેવા માટે પણ રણનીતિ ઘડી કાઢવામાં આવી છે. ટૂંકમાં સોમવારનો દિવસ સરકાર માટે અગ્નિ પરીક્ષાનો રહેશે એ નિશ્ચિત છે.
લોકસભામાં જાહેર પરીક્ષા (અન્યાયી માધ્યમો નિવારણ) સુધારા બિલ 2026 સોમવારે રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહને આ બિલ રજૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. એજન્ડા અનુસાર તેઓ જાહેર પરીક્ષા અધિનિયમ 2024 માં સુધારો કરવા માટે એક બિલ રજૂ કરશે.વડા પ્રધાન મોદીએ ગુરુવારે મોડી રાત્રે એક વિડિયો મેસેજમાં જાહેરાત કરી હતી કે સરકાર પેપર લીકને રોકવા માટે એક નવો કાયદો લાવી રહી છે.
આ પણ વાંચો: “અમે કાર પર પ્રયોગો નથી ઇચ્છતા, અમને 100% પેટ્રોલ જોઈએ છે.”
સરકારનો હેતુ આ કાયદાને શક્ય તેટલી વહેલી તકે પસાર કરાવવાનો છે. આ નવા કાયદામાં 10 વર્ષ સુધીની કેદ અને ₹1 કરોડથી ₹10 કરોડ સુધીના ભારે દંડની જોગવાઈઓ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,નવા કાયદામાં પેપર લીકના કેસોનો નિર્ણય ત્રણ મહિનાની અંદર લેવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાં ફાસ્ટ-ટ્રેક કોર્ટ આ સમયમર્યાદામાં ચુકાદો આપશે.
પેપર લીક સંબંધિત કેસોની સુનાવણી માટે દેશભરના વિવિધ શહેરોમાં ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના થઈ ચૂકી છે અને અન્ય ઘણા શહેરોમાં પણ આવી જ કોર્ટની સ્થાપના કરવામાં આવી રહી છે. આ સંદર્ભે નવું રજૂ થનારૂ બિલ આવનારી પરીક્ષાના સંદર્ભમાં મહત્ત્વનું સાબિત થઈ શકે છે.
સરકાર માટે આ બીલ પાસ કરાવવા ઉપરાંત વિદ્યાર્થીઓ ઉપર પોલીસે કરેલા દમનનો મુદ્દો પણ પડકારજનક બની શકે છે. રાહુલ ગાંધીએ રવિવારે જ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને જંતરમંતર ઉપર વિદ્યાર્થીઓ ઉપર પેલેટગનનો ઉપયોગ કરવાની મંજુરી કોણે આપી તેનો જવાબ માગ્યો છે.રાહુલ ગાંધીએ શનિવારે એમ પણ કહ્યું હતું કે, આ મામલામાં વડાપ્રધાન દેશની માફી માંગે તેવી કોંગ્રેસની માંગ છે.
