22 ઇથેનોલ પ્લાન્ટ, 56 રાઇસ મિલ અને 17 જિલ્લાઓ તપાસના ઘેરામાં
સરકારે ઇથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સબસિડીના ભાવે ફાળવેલા લગભગ પાંચ લાખ મેટ્રિક ટન ચોખાનો ઉપયોગ ઇથેનોલ બનાવવા બદલે ખાનગી રાઇસ મિલોમાં વેચી ફરીથી સરકારી ગોડાઉનમાં જમા કરાવવાનું આશરે રૂ.1,160 કરોડનું ચોંકાવનારું કથિત કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણમાં મધ્યપ્રદેશના બાલાઘાટથી શરૂ થયેલી તપાસ હવે 22 ઇથેનોલ પ્લાન્ટ, 56 રાઇસ મિલ, 17 જિલ્લાઓ અને અનેક સરકારી અધિકારીઓ સુધી પહોંચી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઈ)ના ગોડાઉનમાંથી ઇથેનોલ પ્લાન્ટ માટે નીકળેલો એક ટ્રક સીધો ખાનગી રાઇસ મિલમાં પહોંચી ગયો હતો. આ ઘટનાથી શરૂ થયેલી તપાસમાં અત્યાર સુધી 17 ટ્રકો જપ્ત કરાયા છે, 50થી વધુ લોકોના નિવેદનો લેવાયા છે, ચાર આરોપીઓની ધરપકડ થઈ છે અને 13થી વધુ શખ્સોની ઓળખ કરવામાં આવી છે.
તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે સરકારે ઇથેનોલ ઉત્પાદન માટે ફાળવેલા પાંચ લાખ મેટ્રિક ટન ચોખામાંથી ખરેખર કેટલા ચોખા ઇથેનોલ બનાવવા વપરાયા અને કેટલો જથ્થો ખાનગી મિલોમાં વાળી દેવાયો.
તપાસમાં ખુલેલી વિગતો મુજબ સરકારને એક ક્વિન્ટલ ચોખા ખરીદવા, સંગ્રહવા અને પરિવહન સહિતનો ખર્ચ લગભગ 4,000 રૂપિયા થતો હતો. એ જ ચોખા ઇથેનોલ પ્લાન્ટોને માત્ર 2,320 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના સબસિડી દરે અપાતા હતા. આરોપ છે કે કેટલાક પ્લાન્ટ સંચાલકો આ ચોખા ખાનગી રાઇસ મિલોને 2,600થી 3,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચી દેતા હતા.
આ પણ વાંચો: આત્મનિર્ભરતાની વાતો વચ્ચે ચીનથી આયાતમાં 21.8 ટકાનો જંગી વધારો
આશંકા વ્યક્ત થઈ રહી છે કે મિલ સંચાલકો આ તૈયાર ચોખાને ફરી પેક કરી સરકારને “કસ્ટમ મિલ્ડ રાઇસ” તરીકે વેચી દેતા અને સરકાર તરફથી તેનું પેમેન્ટ પણ કરવામાં આવતું હતું. આમ સરકારના જ ચોખામાંથી કૌભાંડકારીઓ બે વખત કમાણી કરતા હતા. તપાસકર્તાઓ હવે તપાસી રહ્યા છે કે બચેલું ધાન ખુલ્લા બજારમાં વેચી દેવામાં આવ્યું હતું કે અન્ય રાજ્યોમાં મોકલી દેવામાં આવ્યું હતું.
પોલીસ હવે એફસીઆઈના ડિસ્પેચ રેકોર્ડ, ઇથેનોલ ઉત્પાદનના આંકડા, ટ્રાન્સપોર્ટ લોગ, વેરહાઉસની એન્ટ્રીઓ અને કસ્ટમ મિલિંગના દસ્તાવેજોની સરખામણી કરી રહી છે. ઇથેનોલ પ્લાન્ટોએ મેળવેલા ચોખામાંથી વાસ્તવમાં કેટલું ઇથેનોલ બનાવ્યું તેની પણ તપાસ ચાલી રહી છે.
ઇથેનોલ બનાવવા તૂટેલા ચોખાને બદલે ‘સમૃદ્ધ ચોખા ‘ મોકલાતા!
તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે ઇથેનોલ માટે સામાન્ય રીતે તૂટેલા ચોખાનો ઉપયોગ થતો હોવા છતાં અહીં આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન-બી12થી સમૃદ્ધ ‘ફોર્ટિફાઇડ રાઇસ’ ફાળવવામાં આવતા હતા. બાળકો, સગર્ભા મહિલાઓ અને કુપોષણ સામે લડવા માટે તૈયાર કરાયેલા આ ચોખાનો ઇથેનોલ માટે ઉપયોગ કેમ થયો તે પણ તપાસનો મહત્વનો મુદ્દો બન્યો છે.
બાલાઘાટ કલેક્ટરે પોતાના ગુપ્ત અહેવાલમાં એફસીઆઈને ચોખાનો વાસ્તવિક ઉપયોગ, ફાળવણી પ્રક્રિયા, પરિવહન, ઉપયોગ પ્રમાણપત્રો તેમજ અધિકારીઓ, ટ્રાન્સપોર્ટરો, ઇથેનોલ કંપનીઓ અને રાઇસ મિલ માલિકોની ભૂમિકાની વિગતવાર તપાસ કરવાની ભલામણ કરી છે.
કઈ રીતે થતું હતું કૌભાંડ?
એફસીઆઈના ગોડાઉનમાંથી સબસિડીના ભાવે ચોખો ઇથેનોલ પ્લાન્ટોને મોકલાતો.
પ્લાન્ટમાં ઇથેનોલ બનાવવાને બદલે ચોખો ખાનગી રાઇસ મિલોને વેચી દેવાતો.
રાઇસ મિલો એ જ તૈયાર ચોખો નવા પેકિંગ સાથે સરકારને “કસ્ટમ મિલ્ડ રાઇસ” તરીકે જમા કરાવતી.
સરકાર પાસેથી મળેલું મૂળ ધાન દળવાની જરૂર પડતી નહીં.
બચેલું ધાન ખુલ્લા બજારમાં અથવા અન્ય રાજ્યોમાં વેચી વધારાનો નફો કમાવાતો હોવાની શંકા.
એક જ ચોખા પરથી ઇથેનોલ પ્લાન્ટ, રાઇસ મિલ અને અન્ય સંકળાયેલા લોકો અનેક વખત નફો કમાતા હોવાનો આરોપ.
કઈ રીતે થયો પર્દાફાશ?
ઇથેનોલ પ્લાન્ટ જતો એક ટ્રક ખાનગી રાઇસ મિલમાં પહોંચ્યો હોવાની માહિતી મળી.
રેવન્યુ, ફૂડ અને પોલીસની સંયુક્ત ટીમે દરોડો પાડતાં ટ્રક મિલમાં મળી આવ્યો.
ત્યારબાદ વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી.
અત્યાર સુધી 17 ટ્રક જપ્ત, ચાર ધરપકડ અને 13થી વધુ આરોપીઓની ઓળખ.
56 રાઇસ મિલોને નોટિસ આપી દસ્તાવેજો જપ્ત કરાયા.
એફસીઆઈ રેકોર્ડ, ઇથેનોલ ઉત્પાદન, વીજ વપરાશ, મશીનરી અને પરિવહનના ડેટાની ક્રોસ-ચેકિંગથી કૌભાંડના તાર વધુ દૂર સુધી પહોંચ્યા.
