દિલ્લી પબ્લિક સ્કૂલ બસની ટક્કરથી યુવકનું ઘટનાસ્થળે જ મોત: બસ મૂકીને ડ્રાઈવર ભાગ્યો
અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં શુક્રવારે એક અકસ્માત સર્જાયો છે. આનંદ ભાજીપાવ પાસે દિલ્લી પબ્લિક સ્કૂલ બસના ચાલકે બેફામ ગતિએ બસ હંકારીને એક યુવકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. અકસ્માત બાદ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાથી આક્રોશિત લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે બસ કબ્જે કરીને ચાલકની શોધખોળ શરૂ કરી છે.
આનંદ ભાજીપાવ પાસે સર્જાયો ભયાનક અકસ્માત
શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા આનંદ ભાજીપાવ પાસે શુક્રવારે સવારે આ અકસ્માત થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ દિલ્હી પબ્લિક સ્કૂલ – DPSની એક સ્કૂલ બસ પૂરપાટ ઝડપે આવી રહી હતી. આ દરમિયાન ચાલકે કાબૂ ગુમાવીને રસ્તા પર ચાલી રહેલા એક યુવકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે યુવકને ગંભીર ઈજાઓ થઈ અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર, લોકોમાં આક્રોશ
અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. પરંતુ પકડાઈ જવાના ડરથી બસનો ચાલક માનવતા ભૂલીને બસને રસ્તા પર જ મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ પણ વાંચો: WhatsApp ટિકિટ-સ્ક્રીનશોટ હવે નહીં ચાલે, RailOne એપ વગર ટિકિટ બતાવતા ભરવો પડશે દંડ
પોલીસે શરૂ કરી તપાસ
ઘટનાની જાણ થતા જ શાસ્ત્રીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક મૃતક યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો છે.
સાથે જ અકસ્માત સર્જનાર DPS સ્કૂલ બસને પોલીસે કબ્જે કરી લીધી છે. ફરાર થઈ ગયેલા બસ ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રન સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સ્થાનિકોની માંગ
આ વિસ્તારમાં વારંવાર ઝડપી વાહનોના કારણે અકસ્માત થતા હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. લોકોએ તંત્રને આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર અને સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરી છે, જેથી આવી ઘટનાઓ અટકાવી શકાય.
હાલ પોલીસ બસના CCTV ફૂટેજ અને આસપાસના કેમેરા ચેક કરીને ફરાર ચાલકને પકડવાના પ્રયાસ કરી રહી છે.
