રાજકોટ: જે કામ ૨.૦૧ કરોડમાં થયું તેના ૩.૫૨ કરોડ ચૂકવાઈ ગયા હતા
વોર્ડ નં.૧,૨,૩ અને ૮માંથી નીકળતા ગટરના પાણીને ફિલ્ટર પ્લાન્ટ સુધી પહોંચાડવા તેમજ પ્લાન્ટની જાળવણી માટેનો કોન્ટ્રાક્ટ અગાઉ ૪૯.૫૦% વધુ ભાવ સાથે અપાયો, હવે બીજી એજન્સીને ૨૫.૪૪% ઓછા ભાવે આપવાનું મંજૂર
મહાપાલિકા દ્વારા વિવિધ કામ પાછળ આંખ બંધ કરીને ખર્ચ કરવામાં આવી રહ્યાનું ફરી એકવાર સાબિત થયું છે. પાણીની બોટલ હોય કે ડ્રોનથી વીડિયો શૂટિંગ કરવાનું હોય મહાપાલિકા દ્વારા હંમેશા બજારભાવ કરતા વધુ પૈસા ચૂકવીને જ કામ કરાવ્યું છે ત્યારે ફરી આવું જ કંઈક સામે આવ્યું છે. ચાર વોર્ડમાંથી નીકળતાં ગટરના પાણીને ફિલ્ટર પ્લાન્ટ સુધી પહોંચાડવા અને પ્લાન્ટની જાળવણી માટે અગાઉ તંત્રને ૩.૫૨ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા જ્યારે હવે આ જ કામ ૨.૭૦ કરોડમાં આપવામાં આવ્યું છે. આમ તંત્રના ૮૨ લાખ રૂપિયા પણ બચ્યા છે.
બુધવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં માધાપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો બે વર્ષ માટેનો ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ગ્લોબલ એનવાયર્સને ૨,૭૦,૧૯,૩૧૨ રૂપિયાના ખર્ચે આપવાની મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ આ કામ ફ્લો ડાયનેમિક ઈન્ડિયા પ્રા.લિ.ને ૩,૫૨,૦૭,૨૫૦ રૂપિયાના ખર્ચે અપાયું હતું. આ એજન્સીએ ૪૯.૫૦% વધુ ભાવ ભર્યો હતો જ્યારે ગ્લોબલ એન્વાયર્સે ૨૫.૪૪% ઓછો ભાવ ભર્યો છે. જો કે ફ્લો ડાયનેમિક્સ એજન્સીને નવી મશીનરી ફિટિંગ સાથે કામ અપાયું હતું.
આ પણ વાંચો: બોઝ – હિટલરના સંબંધો નવા સ્વરૂપે, ભાગલા અંગે પણ બદલાયો દૃષ્ટિકોણ
આ કામ વોર્ડ નં.૧,૨,૩ અને ૮માંથી નીકળતા ગંદા પાણીને નાના પોટપરા પમ્પીંગ સ્ટેશન અને ત્યાંથી પોપટપરા મેઈન પમ્પીંગ સ્ટેશન પરથી પમ્પીંગ કરી ૪૪.૫ એમએલડીની ક્ષમતા ધરાવતા માધાપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવાનું છે. અહીં ગંદૂ પાણી પહોંચી ગયા બાદ તેને ફિલ્ટર કરી આજી-૨ ડેમમાં છોડવા તેમજ પિયત માટે પૂરું પાડવામાં આવે છે.
