બોઝ – હિટલરના સંબંધો નવા સ્વરૂપે, ભાગલા અંગે પણ બદલાયો દૃષ્ટિકોણ
‘ભારત છોડો’ આંદોલનના પ્રકરણમાં ગાંધી-નેહરુ સહિતના નેતાઓના નામ હટાવાયા
ધોરણ-8ના NCERTના સુધારેલા સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં સ્વાતંત્ર્ય સંગ્રામ સંબંધિત ઇતિહાસમાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો કરાયા છે. તેમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના જર્મની પ્રવાસના વર્ણનથી લઈને ભારતના ભાગલા, ‘ભારત છોડો’ આંદોલન અને પૂર્ણ સ્વરાજની માંગણીના ઇતિહાસ સુધીના મુદ્દાઓને નવા દૃષ્ટિકોણથી રજૂ કરવામાં આવ્યા છે.
સૌથી વધુ ધ્યાન ખેંચનારો ફેરફાર નેતાજી સુભાષચંદ્ર બોઝને લગતા પ્રકરણમાં કરવામાં આવ્યો છે. અગાઉના પાઠ્યપુસ્તકમાં બોઝે જર્મનીમાં એડોલ્ફ હિટલરનો સહયોગ મેળવવાનો પ્રયાસ કર્યો હોવાનો ઉલ્લેખ હતો અને હિટલરને સરમુખત્યાર તેમજ નાઝી જાતિવાદી વિચારધારાના નેતા તરીકે વર્ણવવામાં આવ્યો હતો. નવા પાઠ્યપુસ્તકમાં આ તમામ ઉલ્લેખ દૂર કરીને માત્ર એટલું જ લખવામાં આવ્યું છે કે બોઝે બ્રિટિશ વિરોધી શક્તિઓનો ટેકો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હિટલર તથા નાઝી વિચારધારાના કોઈ સીધા ઉલ્લેખ હવે પુસ્તકમાં નથી.
આ પણ વાંચો: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નેટવર્ક સામે FBIનું મોટું ઓપરેશન
સુધારાયેલા પાઠ્યપુસ્તકમાં ભારતના ભાગલા અંગેનું વર્ણન પણ બદલાયું છે. નવા લખાણમાં જણાવાયું છે કે બ્રિટિશ શાસકોએ દાયકાઓ સુધી હિન્દુ-મુસ્લિમ મતભેદોને પ્રોત્સાહન આપ્યું હતું અને ભાગલા બંને સમુદાયોના નાના વર્ગો વચ્ચેના મતભેદોનું પરિણામ હતા. સાથે જ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાગલાની યોજનાનો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પણ વ્યાપક વિરોધ કર્યો હતો અને તેને સ્વીકારવો એ એકમાત્ર રસ્તો હતો કે નહીં તે મુદ્દે આજે પણ ચર્ચા ચાલુ છે.
અગાઉના પુસ્તકમાં કોમી હિંસા દરમિયાન કોંગ્રેસના નેતાઓ લાચાર બની ગયા હોવાનું વાક્ય હતું, પરંતુ સુધારેલા સંસ્કરણમાંથી તે દૂર કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીની હિંસા અંગેની ટિપ્પણીઓ યથાવત રાખવામાં આવી છે.
ભારત છોડો આંદોલન
‘ભારત છોડો’ આંદોલનના પ્રકરણમાં પણ ફેરફાર કરીને અગાઉ ગાંધીજી, જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ સહિતના નેતાઓની ધરપકડનો અલગથી ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેને બદલે હવે માત્ર “કોંગ્રેસનું લગભગ સમગ્ર નેતૃત્વ ધરપકડમાં લેવામાં આવ્યું” એટલું જ લખવામાં આવ્યું છે. બીજી તરફ, ડૉ. રામ મનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણે ભૂગર્ભ આંદોલનને આગળ વધારવામાં ભજવેલી ભૂમિકાનો નવો ઉલ્લેખ ઉમેરવામાં આવ્યો છે.
પૂર્ણ સ્વરાજની માંગણીમાં સાવરકરનો ઉમેરાયો ઉલ્લેખ
સુધારેલા પાઠ્યપુસ્તકમાં પૂર્ણ સ્વરાજની માંગણીના ઇતિહાસમાં નવો ઉમેરો કરવામાં આવ્યો છે. અગાઉના સંસ્કરણમાં મૌલાના હસરત મોહાની, જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ સહિતના નેતાઓનો ઉલ્લેખ હતો, જ્યારે હવે પ્રથમ વખત શ્રી અરવિંદે 1908માં વ્યક્ત કરેલી સ્વરાજની માંગણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની સાથે વી.ડી. સાવરકરે 1925માં સ્વરાજની સમાન માંગણી વ્યક્ત કરી હતી તે બાબત પણ સામેલ કરવામાં આવી છે. આ ફેરફાર બાદ પાઠ્યપુસ્તકમાં સાવરકરના યોગદાનને વધુ સ્પષ્ટ રીતે સ્થાન મળતાં રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે.
