ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નેટવર્ક સામે FBIનું મોટું ઓપરેશન
કેલિફોર્નિયા, કેનેડા અને સ્પેન સહિતના દેશોમાં 50થી વધુ સર્ચ વોરંટ દ્વારા કુલ 24 રીઢા ગુનેગારોની ધરપકડ
અમેરિકાના ન્યાય વિભાગ અને FBI દ્વારા ભારતીય સંગઠિત ગુનાહિત જૂથો સામે અત્યાર સુધીનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય અભિયાન ‘ઓપરેશન હાર્ડ બોલ’ શરૂ કરવામાં આવ્યું છે. આ સંયુક્ત કાર્યવાહી અંતર્ગત કેલિફોર્નિયા, કેનેડા અને સ્પેન સહિતના દેશોમાં 50થી વધુ સર્ચ વોરંટ બજવીને કુલ 24 રીઢા ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 10 આરોપીઓ હજુ પણ ફરાર છે.
અમેરિકી ફેડરલ ચાર્જશીટ મુજબ, ભારતીય જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેરકાયદેસર મોબાઈલ ફોન અને એન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા વૈશ્વિક સ્તરે નેટવર્ક ચલાવી રહ્યો હતો. આ સિન્ડિકેટમાં તેનો ઉત્તર અમેરિકાનો મુખ્ય સાગરિત ગોલ્ડી બ્રાર અને યુરોપનો ઓપરેશનલ હેડ રોહિત ગોદારા સક્રિય ભૂમિકા ભજવતા હતા. ગોલડી બ્રારના માથા પર એફબીઆઈએ 50 હજાર ડોલરનું ઈનામ જાહેર કર્યું છે.
આ ગેંગ મુખ્યત્વે વિદેશમાં વસતા ભારતીય મૂળના વેપારીઓને ડરાવીને લાખો ડોલરની ખંડણી વસૂલતી હતી અને સોશિયલ મીડિયા પર પોતાની ગુનાહિત છબીનો પ્રચાર કરતી હતી. કેનેડાના સરેમાં જૂન ૨૦૨૩માં એક અગ્રણી રાજકીય અને ધાર્મિક નેતાની થયેલી હત્યાનો આદેશ પણ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારે આપ્યો હોવાનો ગંભીર આરોપ છે.
આ પણ વાંચો: હવે મધ્ય પ્રદેશના બગલામુખી શક્તિપીઠ મંદિરમાં કરોડોની દાન ચોરી
આ ઓપરેશન અંતર્ગત કુલ ૩૭ આરોપીઓ સામે ત્રણ અલગ-અલગ ફેડરલ ગુના નોંધાયા છે. જેમાં બીજું નેટવર્ક જગ્ગુ ભગવાનપુરિયાનું છે, જે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સુધી કોન્ટ્રાક્ટ કિલિંગ અને ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. ત્રીજું નેટવર્ક કેનેડાથી રવિન્દર સિંહ ઢાંડા દ્વારા ચલાવવામાં આવતું હતું, જે સાઉથ કેલિફોર્નિયાથી કેનેડા સુધી સેંકડો કિલો કોકેન અને મેથામ્ફેટામાઈન સપ્લાય કરતો હતો.
