રાજકોટમાં 4 વર્ષના માસૂમ બાળકને ગરમ તાવીથી ડામ આપવાની ઘટના અત્યંત નિંદનીય : રોહિત રાજપૂત
આરોપી સામે કડક કાર્યવાહી અને બાળ સુરક્ષાના કડક નિયમો લાગુ કરવાની માંગ
રાજકોટ શહેરના પ્રધુમ્નનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રેલનગરમાં ટ્યુશન માટે ગયેલા માત્ર 4 વર્ષ અને 6 મહિનાના માસૂમ બાળકને અક્ષર ન લખતાં ટ્યુશન ચલાવતી મહિલાએ ગરમ તાવીથી ડામ આપ્યાની ઘટનામા કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપુતે જણાવ્યુ કે આ ઘટના સમાજને હચમચાવી નાખે તેવી છે. શિક્ષણના પવિત્ર ક્ષેત્રમાં આવી ક્રૂરતા કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં.
રાજપુતે વધુમા કહ્યું કે બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય વિશ્વાસ, પ્રેમ અને સંસ્કાર સાથે જોડાયેલું છે. પરંતુ શિક્ષણના નામે બાળક પર શારીરિક અત્યાચાર કરવામાં આવે તે અત્યંત નિંદનીય અને શરમજનક બાબત છે. કોંગ્રેસે કહ્યું કે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જે આવકારદાયક છે, પરંતુ માત્ર ગુનો નોંધવાથી કામ નહીં ચાલે. સમગ્ર ઘટનાની ઝડપી તપાસ કરીને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.
રોહિતસિંહ વધુમાં જણાવ્યું કે આ ઘટના એકલદોકલ નથી. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ખાનગી કોચિંગ ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જસદણના આલ્ફા વિદ્યાલયમાં મેનેજમેન્ટની બેદરકારીના કારણે બાળકીનું મોત, રાજકોટના હરિધવા રોડ પર આવેલા પટેલ ક્લાસીસમાં બાળકને પાઇપ વડે માર મારવાની ઘટના અને હવે આ બનાવ દર્શાવે છે કે ખાનગી કોચિંગ ક્લાસીસ પર અસરકારક નિયંત્રણનો ગંભીર અભાવ છે.
તેઓએ આક્ષેપો કરતા કહ્યું કે ખાનગી કોચિંગ ક્લાસીસમાં બાળકો પર અત્યાચાર, આપઘાતના બનાવો, ફીની ઉઘાડી લૂંટ, બાળકોની સુરક્ષાનો અભાવ અને સંચાલકોની મનમાની જેવી ફરિયાદો સતત વધી રહી છે. રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ ખાનગી કોચિંગ ક્લાસીસ પ્રત્યે જરૂર કરતાં વધુ નરમ વલણ અપનાવી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.ખાનગી કોચિંગ ક્લાસીસમાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી રાજ્ય સરકારની જવાબદારી છે. માત્ર જાહેરાતો નહીં પરંતુ અસરકારક અમલ થાય તેવી અમારી માંગ છે.
કોંગ્રેસની માંગણીઓ :
ખાનગી કોચિંગ ક્લાસીસ માટેની નીતિ તાત્કાલિક જાહેર કરવામાં આવે.
તમામ કોચિંગ ક્લાસીસનું ફરજિયાત રજિસ્ટ્રેશન અને નિયમિત નિરીક્ષણ કરવામાં આવે.
Child Safety Protocol અને Child Protection Policy અમલમાં મૂકવામાં આવે.
બાળકો પર અત્યાચાર કરનાર સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
ફી અને સંચાલન અંગે પારદર્શક વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
