મણિપુરમાં બે સશસ્ત્ર જૂથો વચ્ચે ફરી ગોળીબાર, મહિલા અને પુત્રી ઘાયલ
જાતીય હિંસાથી પ્રભાવિત મણિપુરના કાંગપોકપી જિલ્લામાં રવિવારે કુકી નેશનલ ફ્રન્ટ-પ્રેસિડેન્શિયલ અને કુકી રિવોલ્યુશનરી આર્મી વચ્ચે થયેલી ગોળીબારમાં 56 વર્ષીય મહિલા અને તેની આઠ વર્ષની પુત્રી ઘાયલ થયા હતા. બંનેને સારવાર માટે ઇમ્ફાલની રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (RIMS) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ કાંગપોકપી જિલ્લાના થિંગખોગજાંગ ગામ નજીક સાંજે લગભગ 5.10 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે KNF-P દ્વારા KRAના એક કેમ્પ પર હુમલો કરવામાં આવતા બંને જૂથો વચ્ચે ભારે ગોળીબાર શરૂ થયો હતો. બંને સંગઠનો સરકાર સાથે સસ્પેન્શન ઑફ ઑપરેશન્સ (SoO) કરાર હેઠળ હોવા છતાં થયેલી આ અથડામણથી વિસ્તારમાં ફરી તણાવ ફેલાયો છે.
આ પણ વાંચો: નેતન્યાહૂ સરકારનો સુપ્રીમ કોર્ટના આદેશને માનવાનો પણ ઇનકાર: લોકશાહી ખતરામાં
ગોળીબાર દરમિયાન નજીકના સેતજાંગ ગામમાં ઓછામાં ઓછા ત્રણ મકાનોને આગ ચાંપવામાં આવી હતી. સુરક્ષા દળોએ વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી સ્થિતિ પર નજર રાખી છે. સ્થાનિક કુકી સંગઠનોએ ઘટનાની નિષ્પક્ષ, પારદર્શક અને સમયબદ્ધ તપાસની માંગ કરી છે.
રોડ બ્લોક ચાલુ
13 મેના રોજ નોની અને કાંગપોકપી જિલ્લામાં થયેલા હુમલાઓ બાદ નાગા અને કુકી જૂથો વચ્ચે તણાવ વધુ ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ અપહરણ કરાયેલા નાગા લોકોના ક્ષતવિક્ષત મૃતદેહો મળી આવતા નાગા સંગઠનો ન્યાયની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. આ ઘટનાના વિરોધમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર રોડ બ્લોક કરીને અવરજવર પણ અટકાવવામાં આવી રહી છે જેને કારણે વારંવાર હિંસા અને અથડામણોના બનાવો બનતા જ રહે છે.
