યુરિયા-ડીએપીથી ભરેલા 15 જહાજ ભારત રવાના, સરકારે સપ્લાય ચેઈન બચાવી
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ગ્લોબલ સપ્લાય ચેઈનની અસર વચ્ચે પણ ભારત માટે સારા સમાચાર આવ્યા છે. યુરિયા, ડીએપી અને સલ્ફરથી ભરચક 15 જેટલા જહાજો વિશ્વની સૌથી સંવેદનશીલ ગણાતી હોર્મુઝની ખાડી સુરક્ષિત રીતે પાર કરીને હવે ભારત તરફ આગળ વધી રહ્યા છે. કેન્દ્ર સરકારના સઘન પ્રયાસોના કારણે ચોમાસાની સિઝનમાં ખેડૂતો માટે ખાતરની કોઈ અછત નહીં સર્જાય તેની ખાતરી મળી છે.
7 લાખ MTથી વધુ ખાતરનો જથ્થો ભારત તરફ
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયના જણાવ્યા અનુસાર હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂકેલા 15 જહાજોમાં ખેતી માટે જરૂરી ખાતરનો મોટો જથ્થો છે.
– યુરિયા: 8 જહાજોમાં 3.32 લાખ મેટ્રિક ટન
– ડીએપી: 4 જહાજોમાં 2.57 લાખ મેટ્રિક ટન
– સલ્ફર: 3 જહાજોમાં 1.11 લાખ મેટ્રિક ટન
આ સિવાય આગામી દિવસોમાં વધુ 5 જહાજો પણ ખાતરનો જથ્થો લઈને ભારત આવવા રવાના થશે.
આ પણ વાંચો: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની 21KM ટનલ ખોદવા દેશનું સૌથી મોટું ભીમકાય મશીન એક્શન મોડમાં
યુદ્ધની વચ્ચે સરકારે બચાવી સપ્લાય ચેઈન
ખાતર મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે આંતરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવ વધ્યા છે અને શિપમેન્ટમાં વિલંબ પણ થયો છે. આવી સ્થિતિમાં વિદેશોમાં રહેલા ભારતીય દૂતાવાસોએ વૈશ્વિક ઉત્પાદકો સાથે સીધો સંપર્ક સાધીને જહાજોને સુરક્ષિત રીતે રવાના કરવામાં મદ કરી. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ છે.
નેચરલ ગેસ સપ્લાય 100% પુનઃસ્થાપિત, સ્થાનિક ઉત્પાદન વધશે
ખાતરના કારખાનાઓ માટે નેચરલ ગેસનો સપ્લાય થોડા સમય પહેલા ઘટીને 65% થઈ ગયો હતો. હવે તેને ફરી 100% કરી દેવામાં આવ્યો છે. જેના કારણે દેશમાં સ્થાનિક સ્તરે ખાતરનું ઉત્પાદન પણ ઝડપથી વધશે.
બફર સ્ટોક મજબૂત, અછતની શક્યતા નહીં
મંત્રાલયના આંકડા મુજબ દેશમાં હાલ 197.56 લાખ મેટ્રિક ટન ખાતરનો બફર સ્ટોક ઉપલબ્ધ છે. આ જથ્થો દેશની વાર્ષિક 383.9 LMTની કુલ જરૂરિયાતના 51%થી પણ વધુ છે. આયાત અને સ્થાનિક ઉત્પાદનના સંતુલનને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ખાતરની કોઈ અછત સર્જાશે નહીં તેવો દાવો સરકારે કર્યો છે.
