સોનામાં સતત ઘટતા ભાવ અને આયાત ડ્યુટીમાં વધારાના કારણે બજારમાં ઘરાકીને લાગ્યું ગ્રહણ
વૈશ્વિક પ્રવાહી પરિસ્થિતિના કારણે લોકો જૂના દાગીના બજારમાં વેચી રહ્યા છે
વૈશ્વિક બજારમાં પ્રવાહી પરિસ્થિતિના કારણે ૨ લાખની ટોચ પર પહોંચેલા સોનામાં સતત ગીરાવટ જોવા મળી રહી છે. ૨૦૨૬ના પ્રારંભે સોનુ ઓલમોસ્ટ હાઈ સપાટી પર પહોંચી રેકોર્ડ બનાવ્યા બાદ યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે સોનામાં મંદી જોવા મળી હતી અને છ માસના ગાળામાં સોનામાં ૧૦ ગ્રામે ૫૦,૦૦૦થી વધુનો કડાકો જોવા મળ્યો છે. આમ છતાં ભારતીય બજારમાં સોનાની ખરીદીમાં ૭૦ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો. જો કે લોકો નવા દાગીના ખરીદવાને બદલે જૂના દાગીના વેચવાનું પસંદ કરી રહ્યા છે જેની પાછળના બે મહત્વના કારણ સામે આવ્યા છે.
વિશ્વમાં રોકાણ માટે સોનાને સૌથી મજબૂત માનવામાં આવે છે પરંતુ છેલ્લા છ માસથી વૈશ્વિક બજારમાં ઉલટું જોવા મળી રહ્યું છે. ૨૦૨૬ના પ્રારંભે સોના-ચાંદીમાં લાલચોળ તેજીના કારણે સોનુ ૨ લાખના નવા રેકોર્ડ સ્તરે અને ચાંદી ૪ લાખના નવા હાઈ પર પહોંચ્યા બાદ અમેરિકા-ઈરાન વચ્ચે યુધ્ધ ચાલતું હોવા છતાં પણ બન્ને કિંમતી ધાતુમાં મહામંદી જોવા મળી હતી.
છ માસના સમયગાળામાં સોનુ ૧૦ ગ્રામે ૫૦થી ૬૦ હજાર તૂટ્યું હતું. જ્યારે ચાંદી પર ૨ લાખથી ૨.૨૫ લાખ જેવો ઘટાડો જોવા મળ્યો છે. બે દિવસ પહેલાં પણ સોનામાં ૨૦૦૦ અને ચાંદીમાં ૫૦૦૦નો કડાકો જોવા મળ્યા બાદ સપ્તાહના અંતે બજાર બંધ થતાં સુધીમાં બન્ને કિંમતી ધાતુમાં મામૂલી સુધારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: મેઘાએ મુકામ બદલ્યો: રાજુલામાં ૧૨ કલાકમાં ૯ ઇંચ
સોનામાં સતત ભાવ ઘટી રહ્યા છે છતાં ભારતીય બજારમાં સોનાના દાગીનાની ખરીદીમાં ભારે ઉદાસીનતા જોવાઈ રહી છે. જાણકારોના મને સોનાના દાગીનાની ખરીદીમાં થઈ રહેલા ઘટાડા પાછળ બે કારણો સામે આવ્યા છે. એક તરફ સોનાના ભાવ સતત ઘટતા કેન્દ્ર સરકારે અગાઉ સોનાની આયાત પર વસુલવામાં આવતી ૧૫ ટકા ડ્યુટીમાં ટાડો કરી ૬ ટકા કરી હતી જેમાં ફેરફાર કરી ફરી ૯ ટકા આયાત ડ્યુટી લાદી દીધી છે જેના કારણે વિદેશમાંથી આયાત થતાં સોનામાં ફરી ૧૫ ટકા આયાત ડ્યુટી લેવામાં આવી રહી છે.
જાણકારોના મતે બીજું મુખ્ય કારણ ગોલ્ડ માર્કેટમાં ચાલી રહેલી મહામંદી જવાબદાર છે. છ માસથી સતત ભાવ ઘટી રહ્યા છે ત્યારે હજુ ભાવ ઘટશે તેવી આશાએ લોકો સોનાના દાગીનાની ખરીદી પર બ્રેક લગાવી દીધી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની સતત મજબૂતી અને અમેરિકામાં વ્યાજદરોને લઈને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સોનાના ભાવ પર દબાણ બનાવી રહ્યું છે. જો વૈશ્વિક બજારમાં વધુ નબળાઈ જોવા મળશે તો સોનાના ભાવ તૂટીને ૧૦ ગ્રામે ૧.૩૦ લાખ સુધી પહોંચી જાય તો પણ નવાઈ નહીં.
રાજકીય તનાવ, વ્યાજદર અને રોકાણકારોનો ખરીદીનો મિજાજ સોનાનો ભાવ નક્કી કરશે
૨૦૨૬ વર્ષના પ્રથમ છ માસમાં યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ સોનામાં મહામંદી જોવા મળી છે ત્યારે વર્ષના બીજા છ માસીક તબક્કામાં સોનાનો ભાવ વધશે કે ઘટશે તે બાબતે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે મહત્વનો રિપોર્ટ જાહેર કર્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મતે આગામી છ માસ દરમિયાન રાજકીય તનાવ વિશ્વની બેન્કોના વ્યાજદરો અને રોકાણકારોનો મિજાજ સોનાની દિશા નક્કી કરશે.
છ માસમાં ૫૦ ટન જૂના દાગીના બજારમાં વેચાયા
રોકાણ માટે સૌથી સુરક્ષિત માનવામાં આવતા સોનાની બજાર હાલ પ્રવાહી સ્થિતિ જોવાઈ રહી છે. વર્ષના પ્રારંભે સોનાએ રેકર્ડબ્રેક સપાટી બનાવ્યા બાદ સતત મંદી જોવાઈ રહી છે ત્યારે લોકો આ મંદીનો લાભ લઈને જૂના દાગીના મોટાપાયે વેચાણ કરી રહ્યા છે. એક અહેવાલ મુજબ ત્રણ મહિનામાં ભારતીય બજારમાં ૫૦ ટન જૂના સોનાના દાગીનાનું વેચાણ થયું છે.
આયાત ડ્યુટી વધતા સોનાની ફરી દાણચોરી શરૂ
સોનામાં ૨૦૨૫માં લાલચોળ તેજીના કારણે ભાવ આસમાને પહોંચી ગયા હતા. સામાન્ય લોકો માટે સોનુ ખરીદવું મુશ્કેલ બની ગયું હતું જેના પગલે કેન્દ્ર સરકારે સોનાની ખરીદી જળવાઈ રહે તે માટે આયાત ડ્યુટી ૧૫ ટકાથી ઘટાડી ૬ ટકા કરી હતી જેના કારણે સોનાની દાણચોરીને બ્રેક લાગી ગઈ હતી પરંતુ સોનાના ભાવ ફરી તળિયે બેસી જતાં સરકારે ઘટાડેલી આયાત ડ્યુટી ફરી ઝીંકી દીધી હતી જેના કારણે હવે ફરી સોનાની દાણચોરી વધવા લાગી છે.
