મહારાષ્ટ્રના રાજકારણમાં નવા ,નવા ખેલ યથાવત
હવે મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં ગાબડાં; 60 ધારાસભ્યોની બેઠક બોલાવાઈ તો 23 સભ્યો ગેરહાજર; ઉધ્ધવ ઠાકરેએ કહ્યું, આપણે ખરેખર એક છીએ ?
મહારાષ્ટ્રના રાજકારણમાં ખેલ યથાવત રહ્યા છે. શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તાજેતરમાં જ તેમને પોતાની પાર્ટીના 6 સાંસદોના બળવાનો સામનો કરવો પડ્યો છે, ત્યાં હવે મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં પણ ભંગાણના સંકેતો દેખાઈ રહ્યા છે. બુધવારે સાંજે મહાવિકાસ અઘાડીના ધારાસભ્યોની એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કુલ 60માંથી માત્ર 37 ધારાસભ્યો જ હાજર રહ્યા હતા. 23 ધારાસભ્યો ગેરહાજર રહેતા રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે.
રાજ્યના સૌથી વરિષ્ઠ નેતાઓ શરદ પવાર અને જયંત પાટીલ પણ આ બેઠકમાં પહોંચ્યા ન હતા. આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓની ગેરહાજરીના કારણે ઉદ્ધવ ઠાકરેની ચિંતામાં મોટો વધારો થયો છે અને ગઠબંધન તૂટવાની આશંકાઓ સેવાઈ રહી છે.
આ પણ વાંચો: એપ્સ્ટિન મને બ્લેકમેલ કરવાની કોશિશ કરતો હતો : બિલ ગેટ્સ
પોતાના જ સાથીઓનો સાથ ન મળતા બેઠક દરમિયાન ઉદ્ધવ ઠાકરેનું દર્દ જાહેરમાં છલકાયું હતું. તેમણે ગઠબંધનની એકતા પર જ સીધા સવાલો ઉઠાવતા કહ્યું કે, ‘આપણે કહીએ છીએ કે આપણે એકસાથે છીએ, પણ શું આપણે ખરેખર સાથે છીએ? શું આપણે ગૃહમાં મહાવિકાસ અઘાડી તરીકે એકજૂથ છીએ? શું આપણે સાથે મળીને જનતાના મુદ્દાઓ ઉઠાવીએ છીએ? આ ખરેખર એક વિચારવા જેવી બાબત છે.’
હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે વિપક્ષી ગઠબંધનમાં જોવા મળેલી આ શિથિલતા આગામી દિવસોમાં મોટો વળાંક લાવી શકે છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવાર અને જયંત પાટીલ અંગત કારણોસર ગેરહાજર રહ્યા હતા અને તેની પાછળ કોઈ રાજકીય કારણ નથી.
