એપ્સ્ટિન મને બ્લેકમેલ કરવાની કોશિશ કરતો હતો : બિલ ગેટ્સ
ત્રણ મહિલાઓ સાથેના સંબંધો કબૂલ્યા; એપ્સ્ટિનને અનેક વખત મળ્યા હતા, બે વખત વીડિયો કોલ
અમેરિકાની હાઉસ ઓવરસાઇટ કમિટી સમક્ષ બંધ બારણે આપેલી જુબાનીમાં માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ગેટ્સે સ્વીકાર્યું કે તેમના ત્રણ મહિલાઓ સાથે અંગત સંબંધો હતા અને તેમાંની બે મહિલાઓ વિશે જેફ્રી એપ્સ્ટિન જાણતો હતો. ગેટ્સના જણાવ્યા મુજબ એપ્સ્ટિને આ માહિતીનો ઉપયોગ કરીને તેમના પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેઓ ફરી તેની સાથે સંપર્કમાં આવે. જોકે તેણે ક્યારેય સીધું બ્લેકમેલ કર્યું નહોતું, પરંતુ તેના ઈ-મેઇલ અને વર્તન પરથી એવું લાગતું હતું કે તે આ માહિતીનો ઉપયોગ પોતાના હિત માટે કરવા માગતો હતો.
ગેટ્સે જણાવ્યું કે તેમના અંગત સંબંધોનો એપ્સ્ટિન સાથેના સંપર્ક સાથે કોઈ સંબંધ નહોતો, પરંતુ આ બાબતથી તેમના પરિવારને ભારે દુઃખ પહોંચ્યું હતું. તેમણે સ્વીકાર્યું કે એપ્સ્ટિનને તેઓ 12થી 14 વખત મળ્યા હતા અને બે વખત વીડિયો કોલ પણ કર્યા હતા. એપ્સ્ટિન ધનાઢ્ય દાતાઓ સાથે પરિચય કરાવવાની વાત કરતો હતો, પરંતુ તેમાંથી કોઈ પરિણામ આવ્યું નહોતું. ગેટ્સે કહ્યું કે એપ્સ્ટિન દોષિત ઠર્યો હતો તે વાત તેમને ખબર હતી છતાં મર્યાદિત હેતુથી તેને મળવાનો નિર્ણય તેમની ભૂલ હતી. ગેટ્સે એપ્સ્ટિનના ગુનાઓ સાથે પોતાનો કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો: ડિજિટલ એરેસ્ટ: CBIના ગુજરાત સહીત 16 રાજ્યોમાં દરોડા
કોની સાથે હતા ગેટ્સના સંબંધો?
બિલ ગેટ્સે કમિટી સમક્ષ સ્વીકાર્યું કે તેમના ત્રણ મહિલાઓ સાથે અંગત સંબંધો હતા. તેમાં રશિયન બ્રિજ ખેલાડી મિલા એન્ટોનોવા, પરમાણુ ભૌતિકશાસ્ત્રી કરીમા નિગ્માતુલિના તેમજ મેડિકલ ઉદ્યોગસાહસિક એલિસ જેકોબ્સ નેસેલરોડ્ટનો સમાવેશ થાય છે. ગેટ્સના જણાવ્યા મુજબ એપ્સ્ટિનને આમાંથી બે મહિલાઓ સાથેના સંબંધોની જાણ હતી અને તે જ માહિતીનો ઉપયોગ કરીને તેમના પર દબાણ ઊભું કરવાનો પ્રયાસ થયો હતો.
‘કોઈ જાતીય રોગ નહોતો’
સુનાવણી દરમિયાન ગેટ્સને એપ્સ્ટિન સંબંધિત દસ્તાવેજોમાં થયેલા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (એસટીડી) અંગેના દાવા વિશે પણ પૂછવામાં આવ્યું હતું. ગેટ્સે આવા તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેમને ક્યારેય કોઈ એસટીડી થયો નહોતો અને તેમણે કોઈને ગુપ્ત રીતે દવા પણ આપી નહોતી. જો ક્યારેક કોઈ શંકા વ્યક્ત કરી હોય તો તે યાદ નથી, પરંતુ હકીકતમાં તેમને કોઈ જાતીય રોગ થયો નહોતો.
