વાલોડ હોસ્ટેલમાં ધો-9ની વિદ્યાર્થિનીએ સહાધ્યાયી પર ચપ્પુથી હુમલો કર્યો
તાપી જિલ્લાના વાલોડ તાલુકામાંથી એવી ઘટના સામે આવી છે જે શાળા અને હોસ્ટેલની સુરક્ષા પર સવાલ ઉભા કરે છે. ધોરણ 9માં અભ્યાસ કરતી 13 વર્ષની સગીર વિદ્યાર્થિનીએ પોતાની જ સહાધ્યાયીને એકાંતમાં બોલાવીને ચપ્પુથી જીવલેણ હુમલો કરી દીધો. “પીઠ પાછળ કંઈક વાત કરવી છે” એમ કહીને બોલાવેલી વિદ્યાર્થિની લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ પહોંચી. હાથમાં 20 ટાંકા આવ્યા બાદ વાલોડ પોલીસે આરોપી વિદ્યાર્થિની અટકાયત કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને વાલીઓમાં ચિંતાની લહેર ફેલાઈ છે.
એકાંતમાં બોલાવીને કર્યો ઘાતક હુમલો
વાલોડ તાલુકાની એક હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી ધોરણ-9ની 13 વર્ષીય વિદ્યાર્થિની પર તેની જ સહાધ્યાયીએ હુમલો કર્યો. પ્રાથમિક તપાસ મુજબ, આરોપી વિદ્યાર્થિનીએ પીડિતાને “પીઠ પાછળ કંઈક વાત કરવી છે” તેમ કહીને એકાંત સ્થળે બોલાવી હતી. ત્યાં બંને વચ્ચે કોઈ કારણસર તકરાર સર્જાઈ અને આરોપીએ પોતાની પાસે રાખેલ ચપ્પુ કાઢીને વિદ્યાર્થિનીના હાથ પર ઘા કર્યા.+
આ પાબં વાંચો: અમેરિકાન નાગરિકતા મેળવાની ફી 75% વધી
20 ટાંકા સાથે હોસ્પિટલમાં સારવાર
અચાનક થયેલા હુમલાથી વિદ્યાર્થિની લોહીલુહાણ થઈ ગઈ. તરત જ શાળા સંચાલકો અને સ્થાનિક લોકો દોડી આવ્યા અને તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડી. ડોક્ટરોએ જણાવ્યું કે હાથમાં ઊંડા ઘા હોવાને કારણે લગભગ 20 જેટલા ટાંકા લેવા પડ્યા. પીડિત વિદ્યાર્થિની છેલ્લા 9 મહિનાથી આ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહી હતી. હાલ તેની તબિયત સ્થિર છે અને તે તબીબી દેખરેખ હેઠળ છે.
આરોપીની અટકાયત, હુમલા પાછળનું કારણ શું?
ઘટનાની જાણ થતાં વાલોડ પોલીસનો કાફલો તરત ઘટનાસ્થળે પહોંચી ગયો. પોલીસે આરોપી વિદ્યાર્થિની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે તકરાર થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને પક્ષોના નિવેદનો નોંધવા ઉપરાંત શાળા સંચાલન પાસેથી પણ માહિતી એકત્ર કરી રહી છે.
વાલીઓ અને શિક્ષણ જગતમાં ચિંતા
આ ઘટનાએ વાલોડ સહિત આખા વિસ્તારને હચમચાવી દીધો છે. શાળા જેવી સુરક્ષિત જગ્યાએ વિદ્યાર્થીઓ વચ્ચે ચપ્પુ સુધી પહોંચી જતી હિંસા જોઈને વાલીઓમાં ભય ફેલાયો છે. શું હોસ્ટેલમાં સુરક્ષા ચેકિંગ થતું નથી? વિદ્યાર્થીઓ પાસે ઘાતક હથિયાર કેવી રીતે પહોંચે છે? જેવા સવાલો ઉઠવા લાગ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
